ભારતના દિગ્ગજ ઑફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિન માટે મેજર લીગ ક્રિકેટ (MLC) 2026ની સિઝન નિરાશાજનક રીતે સમાપ્ત થઈ છે. જમણા ઘૂંટણમાં ઈજા થતાં તેઓ હવે બાકીની સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. અશ્વિનની ટીમ સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સે સત્તાવાર રીતે આ માહિતી આપી છે અને તેના સ્થાને ઓસ્ટ્રેલિયાના અનુભવી ફાસ્ટ બોલર પીટર સિડલને ટીમમાં સામેલ કર્યો છે.
આ MLCમાં અશ્વિનની પ્રથમ સિઝન હતી, પરંતુ તેઓ માત્ર એક જ મેચ રમી શક્યા. ટેક્સાસ સુપર કિંગ્સ સામેની મેચમાં તેણે બે ઓવર ફેંકી હતી, જેમાં 24 રન આપ્યા હતા અને એકપણ વિકેટ મેળવી શક્યા નહોતા. ત્યારબાદ ઘૂંટણની ઈજા ગંભીર હોવાનું સામે આવતા મેડિકલ ટીમે તેમને ટૂર્નામેન્ટમાંથી બહાર રહેવાની સલાહ આપી.
અશ્વિને નિવેદનમાં કહ્યું કે ટૂર્નામેન્ટ આ રીતે અધૂરી છોડવી તેમના માટે નિરાશાજનક છે. તેણે સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સના ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને ચાહકોનો આભાર માન્યો અને ટીમને બાકીની ટૂર્નામેન્ટ માટે શુભેચ્છા પાઠવી. ક્લબ મેનેજમેન્ટે પણ અશ્વિનના અનુભવ, નેતૃત્વ અને ડ્રેસિંગ રૂમમાં તેના યોગદાનની પ્રશંસા કરી અને તેના ઝડપી સ્વસ્થ થવાની કામના વ્યક્ત કરી.
અશ્વિનની ઈજા હવે તેના આગામી ક્રિકેટ કાર્યક્રમોને લઈને પણ ચર્ચાનો વિષય બની છે. અહેવાલો મુજબ તેની રિકવરી પર સતત નજર રાખવામાં આવશે, કારણ કે તેઓ આગામી યુરોપિયન ટી20 પ્રીમિયર લીગમાં ડબ્લિન ગાર્ડિયન્સ ટીમના કેપ્ટન અને મેન્ટર તરીકે જોડાવાના છે. જો તેઓ સમયસર સંપૂર્ણ ફિટ નહીં થાય તો તે ટૂર્નામેન્ટમાં તેની ભાગીદારી પર પણ અસર પડી શકે છે. હાલ ક્રિકેટ ચાહકો આશા રાખી રહ્યા છે કે અશ્વિન જલદી સ્વસ્થ થઈને ફરી મેદાન પર વાપસી કરશે.
R Ashwin has been ruled out of the remainder of MLC 2026 due to a knee injury.
The veteran bowled just 2 overs in his maiden MLC stint. pic.twitter.com/wRkA6XRTHR
— Cricbuzz (@cricbuzz) July 9, 2026

