પંજાબ કિંગ્સના સ્ટાર બેટર શશાંક સિંહે અચાનક પોતાની ઘરેલુ ટીમ છત્તીસગઢ ક્રિકેટ ટીમથી અલગ થવાનો નિર્ણય લઈને સૌને ચોંકાવી દીધા છે. જોકે તેણે IPL ફ્રેન્ચાઇઝી પંજાબ કિંગ્સ નહીં, પરંતુ ઘરેલુ ક્રિકેટમાં નવી શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. હવે શશાંક 2026-27ની ઘરેલુ સીઝનમાં પોંડિચેરી તરફથી રમતા જોવા મળશે.
શશાંક સિંહે જણાવ્યું કે તેણે છત્તીસગઢ સ્ટેટ ક્રિકેટ સંઘ (CSCS) પાસેથી એનઓસી મેળવી લીધી છે અને હવે તેઓ પોંડિચેરી માટે રમશે. આ નિર્ણય પાછળનું સૌથી મોટું કારણ તેને ઈજાના સમય દરમિયાન પૂરતું સમર્થન ન મળવું હોવાનું જણાવ્યું છે. શશાંકના કહેવા મુજબ, ગયા સીઝનમાં તેના ખભા અને જમણા હાથની આંગળીમાં ગંભીર ઈજા થઈ હતી, પરંતુ તે મુશ્કેલ સમયમાં ક્રિકેટ સંઘે તેની યોગ્ય રીતે મદદ કરી નહોતી.
તેણે વધુમાં ખુલાસો કર્યો કે સીઝન બાદ છત્તીસગઢ ક્રિકેટ પ્રીમિયર લીગ માટે જાહેર કરાયેલી ખેલાડીઓની યાદીમાં તેનું નામ પણ સામેલ કરવામાં આવ્યું નહોતું. જ્યારે તેણે તેનું કારણ પૂછ્યું ત્યારે તેને કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નહોતો. આ ઘટનાથી નિરાશ થઈ તેણે નવી ટીમ સાથે પોતાની કારકિર્દી આગળ વધારવાનો નિર્ણય કર્યો.
શશાંક સિંહ છેલ્લા કેટલાક વર્ષોમાં IPLમાં પંજાબ કિંગ્સ માટે શાનદાર પ્રદર્શન કરીને પોતાની અલગ ઓળખ બનાવી ચૂક્યા છે. તેની ફિનિશિંગ ક્ષમતા અને દબાણની સ્થિતિમાં રમવાની કળાએ તેને ટીમના મહત્વપૂર્ણ ખેલાડી બનાવ્યા છે. ઘરેલુ ક્રિકેટમાં પોંડિચેરી સાથે જોડાવાથી તેને નવી તક અને નવી જવાબદારીઓ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવે ક્રિકેટ ચાહકોની નજર રહેશે કે નવી ટીમ સાથે શશાંક સિંહ પોતાની કારકિર્દીને કેટલી નવી ઊંચાઈ સુધી પહોંચાડે છે અને શું તેઓ ઘરેલુ ક્રિકેટમાં પણ પોતાની સફળતાનો સિલસિલો યથાવત રાખી શકશે.
Shashank Singh quits Chhattisgarh, set to join Pondicherry for 2026-27 season
✍️ @toi_gauravG https://t.co/d4cLpqOInF
— TOI Sports (@toisports) August 2, 2026
