ભારતીય ક્રિકેટમાં હાલમાં સૂર્યકુમાર યાદવને લઈને ચર્ચા તેજ બની છે. 2026ના ટી20 વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવ્યા બાદ સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાની ટી20 કેપ્ટનશિપમાંથી હટાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. પસંદગી સમિતિના આ નિર્ણય પર ક્રિકેટ જગત અને ચાહકોએ સવાલો ઉઠાવ્યા હતા. જોકે, હવે સૂર્યાને ફરી એકવાર કેપ્ટનશિપની જવાબદારી મળવાની શક્યતા ઊભી થઈ છે.
આ વખતે વાત ટીમ ઈન્ડિયાની નહીં પરંતુ મુંબઈની છે. ભારતની ઘરેલુ ક્રિકેટ સીઝન 23 ઓગસ્ટથી શરૂ થવાની છે. તે પહેલાં સૂર્યકુમાર યાદવે મુંબઈની કેપ્ટનશિપ કરવાની પોતાની ઈચ્છા સ્પષ્ટ કરી છે. રિપોર્ટ અનુસાર, જો મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) તેને કેપ્ટનશિપની ઓફર કરશે તો સૂર્યા તેને સ્વીકારવા માટે તૈયાર છે.
ક્રિકેટ વિશ્લેષક મકરંદ વૈંગણકરે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે સૂર્યાએ તેને કહ્યું છે કે જો મુંબઈ તરફથી કેપ્ટનશિપની ઓફર મળશે તો તેઓ ચોક્કસપણે જવાબદારી સ્વીકારશે. સૂર્યાએ આ અંગે ‘મુંબઈ માટે કંઈ પણ’ એવો સંદેશ આપ્યો હોવાનું જણાવાયું છે.
સૂર્યકુમાર યાદવનો ટી20 કેપ્ટન તરીકેનો રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે. તેણે 52 ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું, જેમાં ટીમે 40 મેચ જીતી હતી. 8 મેચમાં હાર મળી, જ્યારે 2 મેચ ટાઈ અને 2 મેચનું પરિણામ આવ્યું નહોતું. કેપ્ટન તરીકે બેટિંગ કરતાં સૂર્યાએ 49 ઇનિંગ્સમાં 28.65ની સરેરાશથી 1232 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને આઠ અડધી સદી સામેલ છે.
હવે સૂર્યા ઘરેલુ ક્રિકેટમાં મુંબઈનું નેતૃત્વ કરે છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે. દલીપ ટ્રોફીમાં તેમનો સમાવેશ થયો નથી, પરંતુ ઓક્ટોબરમાં શરૂ થનારી રણજી ટ્રોફીમાં તેઓ મુંબઈ તરફથી રમતા જોવા મળી શકે છે.
Surya Yadav told me he is willing to lead Mumbai if offered. ” Anything for Mumbai “he said. As captain of India he marshalled his resources effectively to win the T20 World Cup twice. It would be a folly for the MCA selectors not to appoint Surya Yadav as captain of Mumbai
— Makarand Waingankar (@wmakarand) August 6, 2026
