દલીપ ટ્રોફી 2026ના નોર્થ ઝોન અને વેસ્ટ ઝોન વચ્ચે રમાઈ રહેલી ક્વાર્ટર ફાઈનલમાં જમ્મુ-કાશ્મીરના ડાબોડી સ્પિનર આબિદ મુશ્તાકે શાનદાર બોલિંગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. વેસ્ટ ઝોનના સ્ટાર બેટર્સ સામે આબિદે એવી કસોટી લીધી કે ટીમના ટોચના બેટિંગ ઓર્ડરને ભારે નુકસાન થયું.
મુકાબલાના પ્રથમ દિવસે આબિદે આક્રમક બેટર પૃથ્વી શૉને માત્ર 22 રનના સ્કોર પર બોલ્ડ કર્યો હતો. શૉએ 21 બોલમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા, પરંતુ આબિદની શાનદાર બોલે તેના સ્ટમ્પ ઉખાડી નાખ્યા. આ રીતે લાંબા સમય બાદ દલીપ ટ્રોફીમાં વાપસી કરનાર શૉ માટે શરૂઆત નિરાશાજનક રહી.
બીજા દિવસે પણ આબિદનો જાદુ યથાવત રહ્યો. પ્રથમ સેશનમાં તેણે પહેલાં શિવાલિક શર્માને આઉટ કર્યો અને ત્યારબાદ વેસ્ટ ઝોનના કેપ્ટન રતુરાજ ગાયકવાડને એલબીડબ્લ્યૂ કરીને પેવેલિયન મોકલી દીધો. એ જ ઓવરમાં ઉર્વિલ પટેલ પણ આબિદનો શિકાર બન્યો. ત્રણેય વિકેટ એલબીડબ્લ્યૂ રહી.
આબિદે પોતાના 10 ઓવરના સ્પેલમાં 6 મેડન સાથે માત્ર 10 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ખાસ વાત એ છે કે વેસ્ટ ઝોનની શરૂઆતની પાંચ વિકેટમાંથી ચાર વિકેટ તેના નામે રહી. નોર્થ ઝોને પ્રથમ બેટિંગ કરીને 251 રન બનાવ્યા હતા, જેમાં આબિદે બેટિંગમાં પણ 30 બોલમાં 19 રનનું યોગદાન આપ્યું.
29 વર્ષીય આબિદ મુશ્તાક જમ્મુ-કાશ્મીર માટે ઘરેલુ ક્રિકેટ રમે છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે 45 મેચમાં 134 વિકેટ છે. સાથે જ તે નીચલા ક્રમે ઉપયોગી બેટિંગ માટે પણ જાણીતો છે. દલીપ ટ્રોફીમાં તેના આ પ્રદર્શનથી નોર્થ ઝોનને વેસ્ટ ઝોન સામે મજબૂત સ્થિતિ બનાવવામાં મોટી મદદ મળી છે.
What. A. Ball 😮
Abid Mushtaq with a peach to dismiss Prithvi Shaw 👏
Scorecard ▶️ https://t.co/cATggoXuky#DuleepTrophy pic.twitter.com/sCkb0vLwpj
— BCCI Domestic (@BCCIdomestic) August 23, 2026
