મુંબઈમાં રમાઈ રહેલી ટી20 મુંબઈ લીગ 2026 દરમિયાન યુવા ઓલરાઉન્ડર Arjun Tendulkar માત્ર પોતાના શાનદાર પ્રદર્શન માટે જ નહીં, પરંતુ એક માનવતાભર્યા કાર્ય માટે પણ ચર્ચામાં આવ્યા છે. વાનખેડે સ્ટેડિયમમાં ARCS અંધેરી અને બાંદ્રા બ્લાસ્ટર્સ વચ્ચે રમાયેલા મુકાબલામાં અર્જુને બોલ અને બેટ બંનેથી કમાલ દેખાડી હતી, પરંતુ મેચ બાદની તેની એક હરકતે ચાહકોના દિલ જીતી લીધા હતા.
મેચ દરમિયાન અર્જુન આક્રમક બેટિંગ કરી રહ્યા હતા ત્યારે તેના બેટમાંથી નીકળેલો એક જોરદાર છગ્ગો સીધો સ્ટેન્ડમાં બેઠેલા એક બાળકના માથા પર વાગ્યો હતો. બોલ વાગતા બાળકને દુખાવો થયો હતો અને તેને તરત જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. મેચ પૂરી થયા બાદ અર્જુનને જ્યારે આ ઘટનાની જાણ થઈ, ત્યારે તેઓ સીધા તે બાળકને મળવા પહોંચ્યા હતા.
અર્જુને બાળકની તબિયત વિશે પૂછપરછ કરી, તેને સાંત્વના આપી અને મેચમાં ઉપયોગમાં લેવાયેલ બોલ પર પોતાનો ઓટોગ્રાફ આપી ભેટ સ્વરૂપે આપ્યો. આ સુંદર પળે બાળકના ચહેરા પર ફરી સ્મિત લાવી દીધું હતું. અર્જુનનો આ નમ્ર સ્વભાવ જોઈને ક્રિકેટપ્રેમીઓએ સોશિયલ મીડિયા પર તેમની ભરપૂર પ્રશંસા કરી હતી.
જો મેચની વાત કરીએ તો અર્જુને પહેલા બોલિંગમાં 3 ઓવરમાં માત્ર 11 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ બેટિંગમાં માત્ર 34 બોલમાં અણનમ 66 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. તેની અને Musheer Khan વચ્ચે બીજા વિકેટ માટે 116 રનની અણનમ ભાગીદારી થઈ હતી, જેના કારણે ARCS અંધેરીએ 145 રનનો લક્ષ્યાંક માત્ર 13.5 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. અર્જુનને તેના શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યા હતા.
અર્જુનના આ વર્તને ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ માત્ર પ્રતિભાશાળી ક્રિકેટર જ નહીં, પરંતુ ઉત્તમ સંસ્કારો ધરાવતા યુવા ખેલાડી પણ છે.
After the six hit by Arjun Tendulkar struck a child sitting in the stands, Arjun met the child after the match and gifted him that same ball with his autograph on it.🙌❤️
Arjun has a big heart, just like his father. ❤️ pic.twitter.com/KynnWyDAtE
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) June 8, 2026
