OTHER LEAGUES

હૈદરાબાદ ક્રિકેટ ટીમના નવા મેન્ટર બન્યા વસીમ જાફર

ભારતીય ક્રિકેટના દિગ્ગજ પૂર્વ ઓપનર વસીમ જાફરને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) દ્વારા આગામી બે વર્ષ માટે હૈદરાબાદ ટીમના મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જાફરની નિમણૂકથી હૈદરાબાદની સ્થાનિક ક્રિકેટ વ્યવસ્થાને મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

વસીમ જાફર હવે હૈદરાબાદની સિનિયર ટીમ ઉપરાંત વિવિધ વયજૂથના ખેલાડીઓને માર્ગદર્શન આપશે. તેની મુખ્ય જવાબદારી યુવા પ્રતિભાઓને ઘડવાની, ટેક્નિકલ ખામીઓ સુધારવાની અને ટીમને રાષ્ટ્રીય સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવાની રહેશે. તેઓ ટીમ સાથે વિવિધ ટૂર્નામેન્ટોમાં પણ જોડાશે અને ખેલાડીઓના વિકાસ પર સતત નજર રાખશે.

વસીમ જાફરનું નામ ભારતીય ઘરેલુ ક્રિકેટના સૌથી સફળ બેટ્સમેનોમાં લેવામાં આવે છે. તેમણે 260 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 19,410 રન બનાવ્યા છે, જેમાં 57 સદી અને 91 અર્ધસદીનો સમાવેશ થાય છે. રણજી ટ્રોફીના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ તેના નામે નોંધાયેલો છે. તેમના વિશાળ અનુભવનો લાભ હવે હૈદરાબાદના યુવા ક્રિકેટરોને મળશે.

હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનનું માનવું છે કે જાફરના માર્ગદર્શન હેઠળ ટીમના પ્રદર્શન અને ખેલાડીઓના વિકાસમાં નોંધપાત્ર સુધારો થશે. એસોસિએશન દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ક્રિકેટ એકેડેમીઓ અને સેન્ટર ઓફ એક્સલન્સ વિકસાવવાની યોજનાઓ પણ જાહેર કરવામાં આવી છે, જેથી ગ્રાસરૂટ સ્તરેથી પ્રતિભાશાળી ખેલાડીઓને તૈયાર કરી શકાય.

ક્રિકેટ જગતમાં વસીમ જાફરની આ નવી ભૂમિકાને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે તેના અનુભવ અને માર્ગદર્શનથી હૈદરાબાદ ક્રિકેટને નવી દિશા મળશે અને આગામી સીઝનમાં ટીમ વધુ મજબૂત દેખાશે.

Exit mobile version