વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઝડપી બોલર કોર્ટની વૉલ્શને ઝિમ્બાબ્વે પુરુષ ક્રિકેટ ટીમના નવા ફુલ-ટાઈમ બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે આ મહત્વપૂર્ણ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી છે. તાજેતરમાં ભારત અને શ્રીલંકામાં યોજાયેલા ટી20 વર્લ્ડ કપ 2026 દરમિયાન વૉલ્શે બોલિંગ કન્સલ્ટન્ટ તરીકે ટીમ સાથે કામ કર્યું હતું અને તેના માર્ગદર્શન હેઠળ ઝિમ્બાબ્વેએ શાનદાર પ્રદર્શન કરીને સુપર-8 સુધીનો ઐતિહાસિક સફર કર્યો હતો.
ટી20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા જેવી મજબૂત ટીમોને હરાવી ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. જોકે સુપર-8માં ટીમ તમામ મેચ હારી ગઈ હતી, તેમ છતાં સમગ્ર ટૂર્નામેન્ટમાં ટીમના પ્રદર્શનને ખૂબ પ્રશંસા મળી હતી. આ સફળતા બાદ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે મુખ્ય કોચ જસ્ટિન સેમન્સ સહિત સમગ્ર કોચિંગ સ્ટાફ પર વિશ્વાસ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.
કોર્ટની વૉલ્શ વિશ્વ ક્રિકેટના સૌથી મહાન ઝડપી બોલરોમાંના એક માનવામાં આવે છે. તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે 132 ટેસ્ટમાં 519 વિકેટ અને 205 વન-ડેમાં 227 વિકેટ ઝડપી હતી. ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટનો આંકડો પાર કરનાર તેઓ પ્રથમ બોલર હતા. તેના વિશાળ અનુભવથી ઝિમ્બાબ્વેના યુવા ઝડપી બોલરોને ઘણો લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વૉલ્શ અગાઉ બાંગ્લાદેશના બોલિંગ કોચ તેમજ વેસ્ટ ઈન્ડિઝ મહિલા ટીમના મુખ્ય કોચ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. હવે ઝિમ્બાબ્વે સાથે તેનો લાંબા ગાળાનો કરાર ટીમની બોલિંગને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે કરવામાં આવ્યો છે. ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડનું માનવું છે કે અનુભવ અને સતતતા સાથે ટીમ ભવિષ્યમાં વધુ સફળતા હાંસલ કરી શકશે અને આગામી આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં વધુ મજબૂત પડકાર રજૂ કરશે.
Former West Indies great Courtney Walsh has been appointed as Zimbabwe’s 🇿🇼 bowling coach pic.twitter.com/o4RLBEh9dm
— Cricbuzz (@cricbuzz) July 1, 2026
