ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સપ્ટેમ્બર 2026માં જાપાનના આઈચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. તાજેતરમાં મહિલા ટી20 વર્લ્ડ કપમાં ભારતના નિરાશાજનક પ્રદર્શન બાદ હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપ પર અનેક સવાલો ઊભા થયા હતા. જોકે, પસંદગી સમિતિએ તેના અનુભવ અને નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કરતાં ફરી એકવાર તેને ટીમની કમાન સોંપી છે. જ્યારે સ્મૃતિ મંધાનાને ઉપકપ્તાન તરીકે જવાબદારી આપવામાં આવી છે.
ભારતીય ટીમમાં મોટા ભાગના અનુભવી ખેલાડીઓને સ્થાન મળ્યું છે. હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાના ઉપરાંત શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ, જી. કમાલિની, ભારતી ફુલમાલી, શ્રી ચરણી, રેણુકા સિંહ ઠાકુર, ક્રાંતિ ગૌડ, અરુંધતી રેડ્ડી, રાધા યાદવ અને નંદિની શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે શ્રેયંકા પાટીલની પસંદગી તેની ફિટનેસ ક્લિયરન્સ પર નિર્ભર રહેશે, તેવી માહિતી BCCIએ આપી છે.
ભારતીય મહિલા ટીમ એશિયન ગેમ્સમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે મેદાનમાં ઉતરશે. તેથી આ વખતે પણ ટીમ પાસેથી ગોલ્ડ મેડલ જીતવાની મોટી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ટી20 વર્લ્ડ કપમાં નિરાશાજનક અભિયાન બાદ એશિયન ગેમ્સ ભારત માટે આત્મવિશ્વાસ પાછો મેળવવાની મહત્વપૂર્ણ તક બની રહેશે. પસંદગીકારોએ ટીમમાં અનુભવ અને યુવા પ્રતિભા વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.
હવે તમામની નજર હરમનપ્રીત કૌરના નેતૃત્વ પર રહેશે. વર્લ્ડ કપની નિષ્ફળતા બાદ ટીમ કેવી રીતે પુનરાગમન કરે છે અને એશિયન ગેમ્સમાં સતત બીજી વખત સુવર્ણ ચંદ્રક જીતે છે કે નહીં, તે જોવું રસપ્રદ રહેશે.
🚨 News 🚨
India Women’s squad announced for the 2026 #AsianGames in September.
More Details ▶️ https://t.co/JagEsizajH#TeamIndia pic.twitter.com/jJGddVSr17
— BCCI Women (@BCCIWomen) June 30, 2026
