T-20

હું તો પહેલાથી જ કહી રહ્યો હતો કે તેને ટીમમાંથી બહાર કરો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ઓપનર અને 1983 વર્લ્ડ કપ વિજેતા કૃષ્ણમાચારી શ્રીકાંતે તિલક વર્માના સતત નિરાશાજનક પ્રદર્શન પર કડક પ્રતિક્રિયા આપી છે. ઇંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં ફરી એક વખત તિલકનું બેટ શાંત રહેતાં શ્રીકાંતે કહ્યું કે તેઓ ઘણા સમયથી તિલકને ટીમમાંથી બહાર કરવાની માંગ કરી રહ્યા છે, પરંતુ ટીમ મેનેજમેન્ટ હજુ પણ તેને સતત તક આપી રહ્યું છે.

શ્રીકાંતે પોતાના યુટ્યુબ ચેનલ પર કહ્યું કે તિલક વર્માને ટીમનો મુખ્ય બેટ્સમેન અને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે, છતાં તેને ઝડપી બોલરો સામે બેટિંગ કરવાથી બચાવવામાં આવે છે. તેના મતે, ટીમ મેનેજમેન્ટને પણ ખબર છે કે તિલકને શોર્ટ-પિચ અને ઝડપી બોલિંગ સામે મુશ્કેલી પડે છે. તેથી જ ઘણી વખત અક્ષર પટેલ જેવા ખેલાડીને તેની પહેલાં બેટિંગ માટે મોકલવામાં આવે છે.

પૂર્વ ભારતીય ક્રિકેટરે વ્યંગાત્મક અંદાજમાં કહ્યું કે તિલક પહેલેથી જ ઉપ-કેપ્ટન છે અને કદાચ ટૂંક સમયમાં કેપ્ટન પણ બની જશે. તેણે વધુમાં ઉમેર્યું કે હાલ તિલક આત્મવિશ્વાસ ગુમાવેલો દેખાય છે અને તેને મેદાન પર શું કરવું તેની પણ સ્પષ્ટ સમજ નથી. શ્રીકાંતે કહ્યું કે જો ફેરફાર કરવો હોય તો તેઓ તિલકની જગ્યાએ સંજુ સેમસનને તક આપવાનું પસંદ કરશે.

તિલક વર્માના તાજેતરના પ્રદર્શન પર નજર કરીએ તો આયરલેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની છેલ્લી છ ઇનિંગ્સમાં તેણે 19, 55, 13, 24, 3 અને 11 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના સ્ટ્રાઈક રેટને લઈને પણ સતત સવાલો ઉઠ્યા છે. સતત ખરાબ ફોર્મને કારણે હવે ટીમમાં તેની જગ્યાને લઈને ચર્ચા વધુ તેજ બની છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે પણ શ્રેયસ અય્યર અને તિલક વર્માને નેતૃત્વની જવાબદારી આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. હવે શ્રીકાંતના નિવેદન બાદ તિલક વર્માના ભવિષ્ય અંગે ચર્ચા વધુ ગરમાઈ ગઈ છે અને આગામી મેચોમાં ટીમ મેનેજમેન્ટ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.

Exit mobile version