ક્રિકેટ 128 વર્ષ બાદ લોસ એન્જલસ ઓલિમ્પિક્સ 2028માં ટી20 ફોર્મેટ સાથે વાપસી કરવા જઈ રહ્યું છે. જોકે ક્રિકેટપ્રેમીઓ જે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચની રાહ જોઈ રહ્યા છે, તેમને નિરાશા મળી શકે છે. નવા ક્વોલિફિકેશન નિયમોને કારણે બંને ટીમો વચ્ચે ઓલિમ્પિક્સમાં ટક્કર થવાની સંભાવના ઓછી માનવામાં આવી રહી છે.
ઓલિમ્પિક્સમાં પુરુષ અને મહિલા વર્ગમાં માત્ર છ-છ ટીમોને જ સ્થાન મળશે. યજમાન દેશ અમેરિકા સીધો પ્રવેશ મેળવશે, જ્યારે બાકીની ટીમોની પસંદગી ICCની ટી20 રેન્કિંગ અને પ્રાદેશિક ક્વોલિફિકેશનના આધારે કરવામાં આવશે. એશિયામાં ટોચની ટીમને સીધી એન્ટ્રી મળવાની સંભાવના છે અને હાલ ભારત આ દાવેદારીમાં સૌથી મજબૂત માનવામાં આવે છે.
બીજી તરફ પાકિસ્તાન માટે માર્ગ સરળ નથી. જો પાકિસ્તાન એશિયામાં ટોચનું સ્થાન મેળવી શકશે નહીં તો તેને ગ્લોબલ ક્વોલિફાયર રમવો પડશે. આ ક્વોલિફાયરમાં સફળતા મળે ત્યારે જ ટીમ ઓલિમ્પિક્સમાં સ્થાન મેળવી શકશે. જો પાકિસ્તાન ક્વોલિફાય નહીં કરે તો ક્રિકેટના સૌથી મોટા મુકાબલાઓમાંનો એક ભારત-પાકિસ્તાન મુકાબલો ઓલિમ્પિક્સમાં જોવા નહીં મળે.
ભલે બંને ટીમો ક્વોલિફાય થઈ જાય, તેમ છતાં ટૂર્નામેન્ટનું ફોર્મેટ અને ડ્રોના આધારે જ બંને ટીમો સામસામે આવી શકે છે. એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની કોઈ ખાતરી નથી.
ક્રિકેટની ઓલિમ્પિક્સમાં વાપસી વિશ્વ ક્રિકેટ માટે ઐતિહાસિક ક્ષણ છે, પરંતુ ચાહકોની સૌથી મોટી ઉત્સુકતા ભારત-પાકિસ્તાન મેચને લઈને છે. હવે તમામની નજર ક્વોલિફિકેશન પ્રક્રિયા અને આગામી ICC ટી20 રેન્કિંગ પર રહેશે, જે નક્કી કરશે કે લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં આ ઐતિહાસિક હરીફાઈ જોવા મળશે કે નહીં.
