T-20

T20I રમ્યા વગર બની શકે છે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન

ભારતીય ક્રિકેટમાં ટૂંક સમયમાં એક મોટો બદલાવ જોવા મળી શકે છે. છેલ્લા લગભગ અઢી વર્ષથી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહેલા શ્રેયસ અય્યર હવે ટીમ ઈન્ડિયાના નવા T20 કેપ્ટન બનવાની રેસમાં સૌથી આગળ હોવાનું માનવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્તમાન T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવના ભવિષ્યને લઈને ચર્ચાઓ ચાલી રહી છે અને પસંદગીકારો નવા નેતૃત્વ વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે.

શ્રેયસ અય્યરે છેલ્લી T20I મેચ ડિસેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. ત્યારબાદ તેને T20 ટીમમાં તક મળી નથી, છતાં તેની શાનદાર બેટિંગ અને નેતૃત્વ ક્ષમતાએ ફરી એકવાર તેને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે.

IPL અને ઘરેલુ ક્રિકેટમાં શ્રેયસે સતત પોતાનું નેતૃત્વ સાબિત કર્યું છે. તેઓ અગાઉ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સને સફળતાપૂર્વક લીડ કરી ચૂક્યા છે, જ્યારે હાલમાં પણ તેઓ પોતાની ટીમ માટે મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ક્રિકેટ નિષ્ણાતો અને પૂર્વ ખેલાડીઓ પણ તેને ભવિષ્યના T20 કેપ્ટન તરીકે યોગ્ય ઉમેદવાર ગણાવી રહ્યા છે.

રસપ્રદ વાત એ છે કે T20 ટીમમાં સ્થાન પણ નક્કી ન હોય એવા ખેલાડીનું નામ સીધું કેપ્ટનશિપ માટે ચર્ચામાં છે. જોકે તેના તાજેતરના પ્રદર્શન અને લીડરશિપ રેકોર્ડને જોતા BCCI લાંબા ગાળાના આયોજનના ભાગરૂપે આ મોટો નિર્ણય લઈ શકે છે.

હવે સૌની નજર આગામી T20 સિરીઝ માટે જાહેર થનારી ભારતીય ટીમ પર રહેશે. જો શ્રેયસ અય્યરની વાપસી થાય છે, તો માત્ર ખેલાડી તરીકે નહીં પરંતુ સંભવિત કેપ્ટન તરીકે પણ તેઓ ભારતીય ક્રિકેટમાં નવા યુગની શરૂઆત કરી શકે છે.

Exit mobile version