T-20

માત્ર 16 રનની જરૂર

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાનારી ત્રણ મેચની ટી20 શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ઓપનર અભિષેક શર્મા એક ખાસ સિદ્ધિની ખૂબ નજીક છે. ડાબોડી આક્રમક બેટ્સમેન અભિષેકને ટી20 ક્રિકેટમાં 6000 રન પૂર્ણ કરવા માટે હવે માત્ર 16 રનની જરૂર છે. જો તે પ્રથમ મેચમાં આ આંકડો પાર કરશે તો તે ભારતના એવા પસંદગીના બેટ્સમેનોમાં સામેલ થઈ જશે, જેમણે 200 અથવા તેનાથી ઓછી ઇનિંગ્સમાં 6000 ટી20 રન પૂર્ણ કર્યા છે.

25 વર્ષીય અભિષેક શર્માએ અત્યાર સુધી 203 ટી20 મેચની 199 ઇનિંગ્સમાં 5984 રન બનાવ્યા છે. તેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઉપરાંત ઘરેલુ અને ફ્રેન્ચાઇઝી ટી20 ક્રિકેટના રન પણ સામેલ છે. જો તે ઝિમ્બાબ્વે સામે 16 રન બનાવશે તો પોતાની 200મી ટી20 ઇનિંગ્સમાં 6000 રનનો ઐતિહાસિક આંકડો સ્પર્શી લેશે.

આ સિદ્ધિ હાંસલ કરનાર ભારતીય ખેલાડીઓની યાદીમાં હાલમાં કે. એલ. રાહુલ, વિરાટ કોહલી અને શુભમન ગિલનું નામ સામેલ છે. કે. એલ. રાહુલે માત્ર 166 ઇનિંગ્સમાં 6000 ટી20 રન પૂર્ણ કર્યા હતા, જ્યારે વિરાટ કોહલીએ 184 અને શુભમન ગિલે 185 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. હવે અભિષેક શર્મા આ પ્રતિષ્ઠિત ક્લબમાં સ્થાન મેળવવાથી માત્ર એક સારી ઇનિંગ્સ દૂર છે.

વિશ્વ ક્રિકેટની વાત કરીએ તો સૌથી ઝડપી 6000 ટી20 રન બનાવવાનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ક્રિસ ગેલના નામે છે. તેણે માત્ર 162 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી, જ્યારે બાબર આઝમ 165 ઇનિંગ્સ સાથે બીજા ક્રમે છે.

તાજેતરના સમયમાં અભિષેક શર્મા ભારત માટે ટી20 ફોર્મેટમાં સૌથી વિસ્ફોટક બેટ્સમેનોમાંના એક તરીકે ઉભરી આવ્યા છે. તેની આક્રમક બેટિંગ ભારતને ઝડપી શરૂઆત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. હવે તમામ ચાહકોની નજર ઝિમ્બાબ્વે સામેની પ્રથમ ટી20 મેચ પર રહેશે કે શું અભિષેક માત્ર 16 રન બનાવી વિરાટ કોહલી સહિતના દિગ્ગજોના ખાસ ક્લબમાં પોતાનું નામ નોંધાવી શકે છે.

Exit mobile version