ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ 438 રન બનાવ્યા છે, પરંતુ તેનો સ્ટ્રાઈક રેટ 131.53 છે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માની વાત કરીએ તો તેણે 128.65ના સ્ટ્રાઈક રેટથી માત્ર 220 રન બનાવ્યા છે.
રોહિતની એવરેજ 20થી ઓછી છે. આ બંનેએ ICC T20 વર્લ્ડ કપ 2022 પછી એકપણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ બંનેના T20 ઈન્ટરનેશનલ ભવિષ્ય વિશે કંઈક એવું કહ્યું છે જેની કદાચ જ કોઈએ અપેક્ષા કરી હશે. શાસ્ત્રીનું માનવું છે કે IPL 2023માં શાનદાર પ્રદર્શન કરનાર યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ જેવા યુવા ક્રિકેટરોને આગામી સમયમાં T20 ઈન્ટરનેશનલ શ્રેણીમાં સામેલ કરવા જોઈએ.
રવિ શાસ્ત્રીએ ESPN Cricinfo પર કહ્યું, ‘આ યુવા ખેલાડીઓને ભારત આગળ જે પણ T20 ઈન્ટરનેશનલ રમે છે તેમાં તક મળવી જોઈએ. તેમને કઠિન પડકારોનો સામનો કરવાની છૂટ આપવી જોઈએ. પસંદગીકારોએ તેને હવેથી તૈયાર કરી લેવો જોઈએ. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓએ પોતાને સાબિત કર્યું છે, બધા જાણે છે કે બંને કેવા પ્રકારના ખેલાડી છે. હું ઈચ્છું છું કે આ IPL સ્ટાર્સને T20 ઈન્ટરનેશનલ રમવાની તક મળે અને વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓને ODI અને ટેસ્ટ માટે ફ્રેશ રાખે.
આગામી ICC T20 વર્લ્ડ કપ 2024માં રમાવાનો છે. જ્યારે આ વર્ષે આઈસીસી વર્લ્ડ કપની યજમાની ભારતમાં થવાનું છે. વિરાટ અને રોહિત બંનેને 2022 T20 વર્લ્ડ કપ પછી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં આરામ આપવામાં આવી રહ્યો છે. હાર્દિક પંડ્યા T20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. શાસ્ત્રીનું માનવું છે કે હાર્દિકને T20 ઈન્ટરનેશનલનો પૂર્ણ સમયનો કેપ્ટન બનાવવો જોઈએ.