T-20

સંજુ સેમસનને બલિનો બકરો બનાવ્યો

ટી20 વર્લ્ડ કપ 2026માં ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’નો ખિતાબ જીતનાર સંજુ સેમસન હવે ભારતીય ટી20 ટીમમાંથી બહાર થઈ ગયો છે. જિમ્બાબ્વે સામેની આગામી ટી20 શ્રેણી માટે જાહેર કરાયેલી ભારતીય ટીમમાં સંજુને સ્થાન ન મળતાં ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ થઈ છે. માત્ર ત્રણ ખરાબ ઇનિંગ્સ બાદ લેવાયેલા આ નિર્ણયે અનેક પૂર્વ ક્રિકેટરો અને ચાહકોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે.

ટી20 વર્લ્ડ કપ દરમિયાન સંજુ સેમસને શાનદાર બેટિંગ કરી હતી અને ભારતના ખિતાબ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની સતત અસરકારક બેટિંગના કારણે તેને ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ ઇંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણીમાં તે સતત ત્રણ ઇનિંગ્સમાં મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. આ નબળા પ્રદર્શન બાદ પસંદગી સમિતિએ તેને જિમ્બાબ્વે પ્રવાસ માટેની ટીમમાં સામેલ કર્યો નથી.

પસંદગીકારોએ સંજુની ગેરહાજરી પાછળ કોઈ સ્પષ્ટ કારણ જાહેર કર્યું નથી. કેટલાક અહેવાલોમાં તેને ટીમના કોમ્બિનેશન અને બેન્ચ સ્ટ્રેન્થ અજમાવવાની રણનીતિનો ભાગ ગણાવવામાં આવ્યો છે, જ્યારે બીજી તરફ ઘણા ક્રિકેટ વિશ્લેષકો માને છે કે માત્ર ત્રણ નિષ્ફળ ઇનિંગ્સના આધારે આવો નિર્ણય લેવો યોગ્ય નથી.

પૂર્વ ભારતીય ઓફ સ્પિનર એ પણ સંજુ સેમસનની બાદબાકી પર સવાલ ઉઠાવ્યા છે. અશ્વિનના મતે સંજુ સાથે ન્યાય થયો નથી અને તેને વધુ તક મળવી જોઈએ હતી. આ પહેલાં પણ અનેક પૂર્વ ક્રિકેટરો સંજુને સતત તક આપવાની તરફેણમાં નિવેદનો આપી ચૂક્યા છે.

જિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમમાં કેટલાક નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. વિકેટકીપર તરીકે નવા વિકલ્પોને સ્થાન મળ્યું છે અને યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા બતાવવાની તક મળશે. હવે સૌથી મોટો સવાલ એ છે કે સંજુ સેમસન ટૂંક સમયમાં ફરી ભારતીય ટીમમાં વાપસી કરી શકશે કે નહીં. આગામી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શન તેના ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.

Exit mobile version