T-20

શ્રેયસ અય્યરને મળી મોટી જવાબદારી

ભારતીય ક્રિકેટમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. BCCIએ એશિયન ગેમ્સ 2026 તેમજ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની આવનારી T20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે, જેમાં શ્રેયસ અય્યરને ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેની સાથે તિલક વર્માને ઉપ-કપ્તાનની જવાબદારી સોંપવામાં આવી છે.

આ નિર્ણય ભારતીય T20 ક્રિકેટમાં મોટા પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી ટીમની કમાન સંભાળતા સૂર્યકુમાર યાદવને આ વખતે સ્ક્વોડમાં સ્થાન મળ્યું નથી, જેના કારણે પસંદગીકારોએ ભવિષ્યને ધ્યાનમાં રાખીને નવી દિશામાં આગળ વધવાનો સંકેત આપ્યો છે.

સ્ક્વોડની સૌથી ચર્ચિત પસંદગી 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની રહી છે. IPL અને જુનિયર ક્રિકેટમાં પોતાની પ્રતિભાનો પરચો આપનાર આ યુવા ખેલાડીને પ્રથમ વખત ભારતીય સિનિયર T20 ટીમમાં સ્થાન મળ્યું છે. ક્રિકેટ ચાહકો લાંબા સમયથી તેની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રીની રાહ જોઈ રહ્યા હતા અને હવે તે સપનું સાકાર થયું છે.

શ્રેયસ અય્યર માટે પણ આ એક ખાસ ક્ષણ છે. IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં સફળ નેતૃત્વ બાદ હવે તેને ભારતીય T20 ટીમની કમાન સોંપવામાં આવી છે. પસંદગીકારોને વિશ્વાસ છે કે તેઓ આગામી વર્ષોમાં ટીમને મજબૂત દિશા આપી શકશે.

એશિયન ગેમ્સ 2026માં ભારત પોતાના ગોલ્ડ મેડલનું રક્ષણ કરવા મેદાનમાં ઉતરશે, જ્યારે આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝ નવા કેપ્ટન શ્રેયસ અય્યર અને યુવા ખેલાડીઓ માટે પોતાને સાબિત કરવાની મોટી તક બનશે.

2026ની એશિયન ગેમ્સનું આયોજન જાપાનમાં થવાનું છે અને પુરુષ તેમજ મહિલા ક્રિકેટ સ્પર્ધાઓ પણ જાપાનની યજમાની હેઠળ રમાશે. ક્રિકેટને ફરી એકવાર એશિયન ગેમ્સમાં સ્થાન મળતાં ભારત સહિત એશિયાની ટોચની ટીમો ગોલ્ડ મેડલ માટે ટક્કર આપશે. ભારતની પુરુષ અને મહિલા બંને ટીમો આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં મજબૂત દાવેદાર તરીકે મેદાનમાં ઉતરશે.

Exit mobile version