T-20

સૂર્યકુમાર યાદવે તોડ્યું મૌન

ભારતીય ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. 2026 ટી20 વર્લ્ડ કપમાં ભારતને પોતાની કપ્તાનીમાં ચેમ્પિયન બનાવ્યા બાદ જ સૂર્યકુમારને ભારતીય ટી20 ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા. હવે સૂર્યકુમારે પ્રથમ વખત આ નિર્ણય અંગે ખુલીને વાત કરી છે. તેમણે જણાવ્યું કે ટીમની સત્તાવાર જાહેરાતના 2-3 દિવસ પહેલા જ પસંદગીકારોએ તેને ફોન કરીને કહ્યું હતું કે હવે “આગળ વધવાનો સમય આવી ગયો છે.”

સૂર્યકુમારે પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાની યુટ્યુબ ચેનલ પર વાતચીત દરમિયાન કહ્યું કે જ્યારે તેણે ટીમની જાહેરાતમાં પોતાનું નામ જોયું નહીં ત્યારે તેઓ ગુસ્સે થયા નહોતા, પરંતુ માત્ર હસ્યા હતા. તેમના મતે, દબાણભરી સ્થિતિમાં શાંત રહેવું તેની આદત છે. તેણે પસંદગીકારોના નિર્ણયનું પણ સન્માન કર્યું.

સૂર્યકુમારે સ્વીકાર્યું કે શરૂઆતમાં નિર્ણયને સ્વીકારવો મુશ્કેલ હતો. તેણે કહ્યું કે છેલ્લા બે વર્ષમાં તેમની કપ્તાની હેઠળ ભારતે એક પણ સિરીઝ ગુમાવી નહોતી અને ટીમે વર્લ્ડ કપ તથા એશિયા કપ પણ જીત્યા હતા. તેથી તેને લાગતું હતું કે તેઓ આગામી બે વર્ષ સુધી ટીમનું નેતૃત્વ કરશે. પરંતુ પસંદગીકારોની વિચારસરણી અલગ હતી.

સૂર્યકુમારે જણાવ્યું કે આ નિર્ણય બાદ તેઓ લગભગ દોઢ મહિના સુધી ઘરે બેસીને વિચારતા રહ્યા કે જ્યારે બધું સારું ચાલી રહ્યું હતું ત્યારે બદલાવની જરૂર શા માટે પડી. જોકે તેણે સ્પષ્ટ કર્યું કે તેને પસંદગીકારો સામે કોઈ ફરિયાદ નથી.

સૌથી મહત્વની વાત એ છે કે સૂર્યકુમારે ટીમમાં વાપસીની આશા છોડી નથી. તેણે કહ્યું કે તેઓ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે અને જ્યારે પણ પસંદગીકારોને યોગ્ય લાગશે ત્યારે ભારત માટે રમવા તૈયાર છે.

Exit mobile version