OFF-FIELD

ઇમરાન ખાનના સમર્થનમાં ઉતર્યા પેટ કમિન્સ

ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ અને વનડે કેપ્ટન પેટ કમિન્સે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને લઈને ચિંતા વ્યક્ત કરી છે. કમિન્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ઇમરાન ખાન સાથે માનવીય અને સન્માનજનક વ્યવહાર કરવાની અપીલને સમર્થન આપ્યું છે. તેના આ નિવેદન બાદ ક્રિકેટ જગતમાં ફરી એકવાર ઇમરાન ખાનની જેલમાં સ્થિતિ અને તેના સ્વાસ્થ્યને લઈને ચર્ચા શરૂ થઈ છે.

કમિન્સે પોતાની પોસ્ટમાં આશા વ્યક્ત કરી કે ઇમરાન ખાનને જરૂરી તબીબી તપાસ અને યોગ્ય સારવારની તક આપવામાં આવે. તેણે કોર્ટ દ્વારા આદેશિત મેડિકલ એસેસમેન્ટની પ્રક્રિયાને આગળ વધવા દેવા તેમજ પરિવારના સભ્યોને તેની મુલાકાત લેવાની મંજૂરી ચાલુ રાખવાની વાત પણ કરી. સાથે જ તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઇમરાન ખાન સાથે એવી જ ગરિમા અને સન્માનથી વ્યવહાર થવો જોઈએ, જે દરેક વ્યક્તિને મળવો જોઈએ.

ઇમરાન ખાન લાંબા સમયથી જેલમાં છે અને તેના સ્વાસ્થ્ય તથા જેલની પરિસ્થિતિ અંગે તેના પરિવાર અને સમર્થકો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તાજેતરમાં ઇમરાન ખાનના પુત્રોના ઇન્ટરવ્યૂને લઈને પણ ક્રિકેટ જગતમાં અને પાકિસ્તાનમાં ચર્ચા જોવા મળી હતી. આ ઇન્ટરવ્યૂમાં તેના પુત્રોએ પિતાની તબિયત અને જેલમાં તેની સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. આ મામલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ બ્રોડકાસ્ટર સામે વાંધો ઉઠાવ્યો હતો.

ઇમરાન ખાન માત્ર પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન જ નહીં, પરંતુ વિશ્વ ક્રિકેટના જાણીતા દિગ્ગજ ખેલાડી પણ છે. તેની આગેવાનીમાં પાકિસ્તાને 1992નો ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. હવે પેટ કમિન્સના નિવેદનથી તેમની સાથે જોડાયેલા માનવતાવાદી મુદ્દાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમુદાયમાં વધુ ચર્ચા મળી છે.

કમિન્સનું આ નિવેદન કોઈ રાજકીય પક્ષના સમર્થન તરીકે નહીં, પરંતુ ઇમરાન ખાનને યોગ્ય તબીબી સારવાર, પરિવાર સાથે મુલાકાત અને માનવીય વ્યવહાર મળવો જોઈએ તેવી અપીલ તરીકે સામે આવ્યું છે.

Exit mobile version