ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઉંમર માત્ર એક આંકડો છે, તે સાબિત કરતા આઇલ ઓફ મેનની જોન હિક્સે 51 વર્ષની ઉંમરે એવો કારનામો કર્યો છે, જે પહેલાં કોઈ મહિલા કે પુરુષ ક્રિકેટર કરી શક્યો નહોતો. જોન હિક્સે ગ્રીસ સામેની મેચમાં પાંચ વિકેટ ઝડપીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી મોટી ઉંમરે ફાઇવ-વિકેટ હૉલ લેવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
જોન હિક્સે રોમાનિયામાં રમાયેલી વિમેન્સ કોન્ટિનેન્ટલ કપની મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. આઇલ ઓફ મેન તરફથી રમતી ઓફ-સ્પિનરે પોતાની ચાર ઓવરના સ્પેલમાં માત્ર 10 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. તેની ઘાતક બોલિંગના કારણે ગ્રીસની ટીમ દબાણમાં આવી ગઈ હતી અને આઇલ ઓફ મેનને મેચમાં સરળ જીત મળી હતી.
આ પ્રદર્શન સાથે હિક્સે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર બર્ટ આયર્નમોંગરનો લગભગ 94થી 96 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. આયર્નમોંગરે 1932માં દક્ષિણ આફ્રિકા સામે 49 વર્ષ અને 314 દિવસની ઉંમરે પાંચ વિકેટ ઝડપી હતી. હવે 51 વર્ષ અને 173 દિવસની ઉંમરે હિક્સે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
ખાસ વાત એ છે કે જોન હિક્સ અગાઉ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની ઉંમરને લઈને રેકોર્ડ બનાવી ચૂકી છે. 2024માં 49 વર્ષ અને 168 દિવસની ઉંમરે તે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી મોટી ઉંમરે પાંચ વિકેટ લેનારી ખેલાડી બની હતી. હવે 2026માં તેણે પુરુષ અને મહિલા બંને ક્રિકેટરોને પાછળ છોડીને નવો વૈશ્વિક રેકોર્ડ બનાવ્યો છે.
જોન હિક્સની આ સિદ્ધિ ક્રિકેટ જગત માટે પ્રેરણાદાયક છે. તેનું પ્રદર્શન સાબિત કરે છે કે પ્રતિભા, અનુભવ અને આત્મવિશ્વાસ હોય તો ઉંમર રમતના મેદાનમાં સફળતાની દીવાલ બની શકતી નથી.
5-for at 51! Isle of Man cricketer becomes oldest bowler in 96 years to record feat#CricketTwitter https://t.co/wZQFbGdHhO
— Express Sports (@IExpressSports) August 29, 2026

