T-20

ભારત-બાંગ્લાદેશ સિરીઝ પર ફરી સસ્પેન્સ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યોજાનારી વ્હાઇટ-બોલ ક્રિકેટ સિરીઝને લઈને ફરી એકવાર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. તાજેતરના અહેવાલો મુજબ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) દ્વારા મીડિયા રાઇટ્સ માટે બહાર પાડવાની પ્રક્રિયા (EOI – એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ) હાલ સ્થગિત રાખવામાં આવી છે. તેના કારણે આ બહુપ્રતિક્ષિત સિરીઝ સમયસર યોજાશે કે નહીં તે અંગે સવાલો ઉભા થયા છે.

અગાઉ એવી માહિતી સામે આવી હતી કે BCBએ 2026-27ની હોમ સિરીઝ માટે મીડિયા રાઇટ્સની પ્રક્રિયા શરૂ કરી હતી, જેમાં ભારત સામેની વનડે અને ટી20 સિરીઝનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પગલાને કારણે બંને દેશો વચ્ચે ક્રિકેટ સંબંધો ફરી સામાન્ય બનવાની આશા જાગી હતી. જોકે હવે મીડિયા રાઇટ્સની પ્રક્રિયામાં વિલંબ થતાં સમગ્ર આયોજન ફરી અનિશ્ચિત બન્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતના બાંગ્લાદેશ પ્રવાસ અંગે હજુ સુધી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી સત્તાવાર મંજૂરી આપવામાં આવી નથી. બંને બોર્ડ વચ્ચે ચર્ચા ચાલુ છે અને અંતિમ નિર્ણય બાદ જ સિરીઝના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

જો આ સિરીઝ યોજાશે તો તેમાં ત્રણ વનડે અને ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાવાની સંભાવના છે. ક્રિકેટપ્રેમીઓ લાંબા સમયથી બંને ટીમો વચ્ચેની ટક્કરની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા તેમને હજુ થોડો વધુ સમય રાહ જોવી પડી શકે છે.

હાલ BCB કે BCCIમાંથી કોઈએ સિરીઝ રદ થવાની જાહેરાત કરી નથી. પરંતુ મીડિયા રાઇટ્સ સંબંધિત પ્રક્રિયામાં આવેલા આ નવા અવરોધને કારણે આગામી દિવસોમાં બંને બોર્ડ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.

Exit mobile version