આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ જૂન 2026 માટેના મહિલા પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડના ઉમેદવારોની જાહેરાત કરી છે. આ યાદીમાં ભારતની ડાબોડી સ્પિનર એન. શ્રી ચરણી, સ્કોટલેન્ડની કેપ્ટન કેથરિન બ્રાઈસ અને ઇંગ્લેન્ડની અનુભવી ઓપનર ડૈની વ્યાટ-હોજને સ્થાન મળ્યું છે. ત્રણેય ખેલાડીઓએ મહિલા T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન શાનદાર પ્રદર્શન કરીને આ સન્માન માટે દાવેદારી નોંધાવી છે.
ભારતની યુવા સ્પિનર શ્રી ચરણી માટે આ નોમિનેશન ખાસ મહત્વનું છે. ભલે ભારતીય ટીમ ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાંથી આગળ વધી શકી ન હતી, પરંતુ શ્રી ચરણી પોતાની બોલિંગથી સતત ચર્ચામાં રહી હતી. તેણે પાંચ મેચમાં કુલ 14 વિકેટ ઝડપી હતી અને સમગ્ર ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારી બોલર તરીકે ઉભરી આવી હતી. તેની આ શાનદાર સિદ્ધિને કારણે હવે તે ICCના પ્રતિષ્ઠિત એવોર્ડ માટેની રેસમાં સામેલ થઈ છે.
સ્કોટલેન્ડની કેપ્ટન કેથરિન બ્રાઈસે જૂન મહિનામાં બેટ અને બોલ બંનેથી કમાલ દેખાડ્યો હતો. તેણે સાત T20 મેચમાં 178 રન બનાવ્યા હતા, સાથે જ 11 વિકેટ પણ ઝડપી હતી. તેના ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે સ્કોટલેન્ડે મહિલા T20 વર્લ્ડ કપમાં યાદગાર અભિયાન નોંધાવ્યું હતું.
બીજી તરફ ઇંગ્લેન્ડની સ્ટાર બેટર ડૈની વ્યાટ-હોજે પણ સમગ્ર ટૂર્નામેન્ટમાં સતત રન બનાવી પોતાની ટીમ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેની આક્રમક બેટિંગના કારણે તે પણ જૂન મહિનાના શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર બનવાની દાવેદાર બની છે.
હવે ક્રિકેટ ચાહકોની નજર ICCના અંતિમ પરિણામ પર રહેશે. ખાસ કરીને ભારતીય ચાહકોને આશા રહેશે કે શ્રી ચરણી પોતાની શાનદાર બોલિંગના આધારે આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીતવામાં સફળ રહેશે અને ભારત માટે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાવશે.
𝐈𝐂𝐂 𝐖𝐨𝐦𝐞𝐧’𝐬 𝐏𝐥𝐚𝐲𝐞𝐫 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐌𝐨𝐧𝐭𝐡 𝐧𝐨𝐦𝐢𝐧𝐞𝐞𝐬 𝐟𝐨𝐫 𝐉𝐮𝐧𝐞 𝐚𝐫𝐞 𝐡𝐞𝐫𝐞 👀
Three stars from the Women’s T20 World Cup 2026 make the shortlist, who gets your vote 🤔 👇#CricketTwitter pic.twitter.com/bS89TIk95M
— Female Cricket (@imfemalecricket) July 13, 2026
