ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ પ્રવાસ માટે જાહેર કરાયેલી T20 ટીમમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું નામ ન હોવાને કારણે ક્રિકેટ ચાહકોમાં અનેક સવાલો ઉભા થયા હતા. હવે મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે આ નિર્ણય પાછળનું કારણ સ્પષ્ટ કર્યું છે. તેના જણાવ્યા અનુસાર હાર્દિકને બહાર કરવાનો નિર્ણય કોઈ સજા કે ખરાબ ફોર્મને કારણે લેવામાં આવ્યો નથી, પરંતુ ટીમ મેનેજમેન્ટનું ધ્યાન આગામી 2027 ODI વર્લ્ડ કપ માટે મજબૂત ટીમ તૈયાર કરવા પર કેન્દ્રિત છે.
અગરકરે જણાવ્યું કે હાર્દિક ભારતના સૌથી મહત્વપૂર્ણ ઓલરાઉન્ડરોમાંના એક છે અને તેની ક્ષમતાઓ અંગે કોઈ શંકા નથી. જોકે હાલમાં ટીમ મેનેજમેન્ટ તેમને વધુને વધુ 50 ઓવરના ક્રિકેટ માટે તૈયાર કરવા માંગે છે. આ કારણસર તેને અફઘાનિસ્તાન સામેની ODI સિરીઝમાં સામેલ કરવામાં આવ્યા છે અને તેની બેટિંગ તથા બોલિંગ બંને ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે.
આ ઉપરાંત, BCCIએ એશિયન ગેમ્સ અને આવનારા મોટા ટૂર્નામેન્ટોને ધ્યાનમાં રાખીને ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટ પર પણ ભાર મૂક્યો છે. હાર્દિકને સતત ક્રિકેટ રમાડવાને બદલે તેની ફિટનેસ અને લાંબા ગાળાની ઉપલબ્ધતા જાળવવા માટે આ વ્યૂહરચના અપનાવવામાં આવી રહી હોવાનું પણ માનવામાં આવે છે.
હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત માટે સફેદ બોલના ક્રિકેટમાં મેચ વિનર સાબિત થયા છે. તેથી તેની ગેરહાજરી માત્ર તાત્કાલિક આયોજનનો ભાગ હોવાનું માનવામાં આવે છે. પસંદગીકારોનું માનવું છે કે જો હાર્દિક સંપૂર્ણ ફિટ રહેશે અને ODI ફોર્મેટમાં સતત પ્રદર્શન કરશે, તો 2027 ODI વર્લ્ડ કપમાં તેઓ ભારતીય ટીમના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંના એક બની શકે છે.

