ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની આગામી T20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. ટીમની પસંદગી બાદ મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે અનેક મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ આપ્યા અને પસંદગી પાછળના કારણો સ્પષ્ટ કર્યા. સૌથી મોટી ચર્ચા હાર્દિક પંડ્યા અને શુભમન ગિલને ટીમમાં સ્થાન ન મળવા અંગે થઈ રહી છે.
અગરકરે જણાવ્યું કે હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહને આ સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો નથી.આ વખતે ભારતીય T20 ટીમમાં નેતૃત્વનો મોટો ફેરફાર જોવા મળ્યો છે. શ્રેયસ અય્યરને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે 23 વર્ષીય તિલક વર્માને ઉપ-કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. પસંદગી સમિતિનું માનવું છે કે તિલક લાંબા ગાળે ભારતના T20 સેટઅપમાં મહત્વપૂર્ણ નેતા બની શકે છે અને તેથી તેમને આ જવાબદારી આપવામાં આવી છે.
બીજી તરફ, શુભમન ગિલનું નામ પણ સ્ક્વોડમાં નથી. જોકે ગિલ હાલમાં ભારતના ટેસ્ટ અને ODI સેટઅપમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે, પસંદગીકારોએ T20 ફોર્મેટ માટે અલગ સંયોજન અજમાવવાનો નિર્ણય લીધો છે.
ટીમમાં સૌથી વધુ ચર્ચા 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની પસંદગીને લઈને થઈ રહી છે. IPL 2026માં શાનદાર પ્રદર્શન બાદ તેને પ્રથમ વખત સિનિયર ભારતીય T20 ટીમમાં સ્થાન મળ્યું છે. આ પસંદગી ભારતીય ક્રિકેટમાં નવા યુગની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે.
આ રીતે અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે હવે ભારતીય T20 ટીમમાં યુવા ખેલાડીઓ અને ભવિષ્યના નેતાઓને વધુ તક આપવામાં આવશે.

