ભારતીય ક્રિકેટ ટીમને IPL 2026 પૂર્ણ થયા બાદ તરત જ અફઘાનિસ્તાન સામે એક ટેસ્ટ મેચ રમવાની છે. 6 જૂનથી ન્યૂ ચંડીગઢમાં શરૂ થનારી આ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત 19 મેના રોજ થવાની છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના યુવા ફાસ્ટ બોલર આકિબ નબીનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. પોતાના શાનદાર પ્રદર્શનના કારણે તે હવે ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવાના મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
આકિબ નબીએ છેલ્લા બે રણજી ટ્રોફી સીઝનમાં જબરદસ્ત બોલિંગ કરી છે. 2024-25 સીઝનમાં તેણે માત્ર 8 મેચમાં 44 વિકેટ ઝડપી હતી, જેમાં 6 વખત એક ઇનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી હતી. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 53 રનમાં 6 વિકેટ રહ્યું હતું. ત્યારબાદ 2025-26 સીઝનમાં તો તેણે વધુ ખતરનાક બોલિંગ કરી. 10 મેચમાં 60 વિકેટ સાથે તે ટૂર્નામેન્ટના સર્વાધિક વિકેટ લેનારા બોલર બન્યા હતા. આ દરમિયાન 7 વખત પાંચ કે તેથી વધુ વિકેટ લીધી અને 24 રનમાં 7 વિકેટ તેનું બેસ્ટ ફિગર રહ્યું.
કુલ મળીને છેલ્લા બે સીઝનમાં આકિબ નબીએ 18 મેચમાં 104 વિકેટ ઝડપી છે, જેમાં 13 વખત પાંચ વિકેટ હોલ નોંધાવ્યો છે. તેની બોલિંગ એવરેજ પણ ખૂબ જ શાનદાર રહી છે.
રિપોર્ટ્સ અનુસાર, જસપ્રિત બુમરાહને વર્કલોડ મેનેજમેન્ટને કારણે આરામ આપવામાં આવી શકે છે, જ્યારે હર્ષિત રાણા અને આકાશ દીપ ઇજાગ્રસ્ત છે. આવી સ્થિતિમાં મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા સાથે આકિબ નબીને તક મળી શકે છે.
જો આકિબ નબી અફઘાનિસ્તાન સામે પ્રભાવશાળી પ્રદર્શન કરે છે, તો તે આગળ શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે પણ પોતાની દાવેદારી વધુ મજબૂત બનાવી શકે છે.
