TEST SERIES

12 ખેલાડીઓની ટીમ જાહેર, 2 યુવા સ્ટાર્સની લોટરી લાગી

ન્યૂઝીલેન્ડ સામે 4 જૂનથી લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર શરૂ થનારી પ્રથમ ટેસ્ટ મેચ માટે ઇંગ્લેન્ડે 12 ખેલાડીઓની ટીમ જાહેર કરી છે. કેપ્ટન તરીકે ફરી એકવાર બેન સ્ટોક્સ ટીમનું નેતૃત્વ કરશે. આ સ્ક્વોડમાં અનુભવી ખેલાડીઓની સાથે કેટલાક નવા ચહેરાઓને પણ સ્થાન મળ્યું છે, જેના કારણે ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

ઇંગ્લેન્ડની ટીમમાં સ્પિનર શોએબ બશીર અને ફાસ્ટ બોલર ઓલી રોબિનસનની વાપસી થઈ છે. ખાસ વાત એ છે કે ટોપ ઓર્ડર બેટર એમિલિયો ગે અને યુવા પેસર સોની બેકરને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બંને ખેલાડીઓ હજુ સુધી ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરી શક્યા નથી અને હવે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરવાની મોટી તક મળી શકે છે.

ટીમમાં જો રૂટ, હેરી બ્રૂક, બેન ડકેટ, જેકબ બેથેલ, જેમી સ્મિથ, જોશ ટંગ અને ગસ એટકિન્સન જેવા મહત્વના ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ અંતિમ પ્લેઇંગ ઇલેવનની પસંદગી પિચ અને હવામાનને ધ્યાનમાં રાખીને મેચના દિવસે કરવામાં આવશે. યુવા પેસર સોની બેકરને ડેબ્યૂ કરવાની તક મળે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.

તાજેતરમાં એશિઝમાં નિરાશાજનક પ્રદર્શન બાદ ઇંગ્લેન્ડે ટીમમાં કેટલાક મોટા ફેરફારો કર્યા છે. નવા ખેલાડીઓને તક આપીને ટીમ મેનેજમેન્ટ ભવિષ્યને ધ્યાનમાં રાખીને નવી શરૂઆત કરવા માંગે છે. હવે જોવાનું રહેશે કે લોર્ડ્સમાં ન્યૂઝીલેન્ડ સામે આ નવીન ઇંગ્લિશ ટીમ કેટલું પ્રભાવશાળી પ્રદર્શન કરે છે.

Exit mobile version