TEST SERIES

9 વર્ષ પછી, ટીમ ઈન્ડિયા શ્રેણી રમવા માટે આ દેશમાં જશે

ભારતીય ક્રિકેટ ટીમ ઓગસ્ટ 2026માં શ્રીલંકાના પ્રવાસે જવા માટે તૈયાર છે. આ પ્રવાસ ખાસ એટલા માટે છે કારણ કે ટીમ ઈન્ડિયા લગભગ 9 વર્ષ બાદ શ્રીલંકાની ધરતી પર ટેસ્ટ શ્રેણી રમવા જઈ રહી છે. છેલ્લે ભારતે 2017માં વિરાટ કોહલીની આગેવાનીમાં શ્રીલંકાનો ટેસ્ટ પ્રવાસ કર્યો હતો, જ્યાં ભારતીય ટીમે યજમાનોને 3-0થી ક્લીન સ્વીપ કર્યા હતા.

અહેવાલો મુજબ, આ પ્રવાસ દરમિયાન ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે, જે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27 ચક્રનો મહત્વપૂર્ણ ભાગ હશે. હાલમાં ટીમની કમાન યુવા બેટ્સમેન શુભમન ગિલના હાથમાં છે અને તેની કપ્તાનીમાં ભારત માટે આ એક મહત્વપૂર્ણ પડકાર માનવામાં આવી રહ્યો છે.

શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 15 ઓગસ્ટથી ગોલ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાય તેવી શક્યતા છે. ગોલની સ્પિન-મદદગાર પિચ પર બંને ટીમો વચ્ચે રસપ્રદ મુકાબલો જોવા મળી શકે છે. બીજી ટેસ્ટ મેચ 23 ઓગસ્ટથી શરૂ થવાની સંભાવના છે અને તેનું આયોજન કોલંબોના ઐતિહાસિક સિંહલી સ્પોર્ટ્સ ક્લબ મેદાનમાં થઈ શકે છે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડ તરફથી હજુ સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી.

ટેસ્ટ શ્રેણી ઉપરાંત બંને દેશો વચ્ચે ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી પણ રમાઈ શકે છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે તેની માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે અને ટૂંક સમયમાં તેના અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. જો આ આયોજનને મંજૂરી મળશે તો ટી20 શ્રેણી ટેસ્ટ મેચો પૂર્ણ થયા બાદ યોજાય તેવી શક્યતા છે.

ભારત માટે આ પ્રવાસ માત્ર ઐતિહાસિક જ નહીં પરંતુ WTCની દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, કારણ કે દરેક જીત ફાઇનલની રેસમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

Exit mobile version