TEST SERIES

જો રૂટ ફરી બનશે ઈંગ્લેન્ડનો ટેસ્ટ કેપ્ટન

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમમાં ટેસ્ટ ક્રિકેટને લઈને એક મોટો ફેરફાર થવાની તૈયારી છે. મીડિયા અહેવાલો અનુસાર, ટેસ્ટ ટીમના વર્તમાન કેપ્ટન બેન સ્ટોક્સના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ અનુભવી બેટ્સમેન જો રૂટને ફરી એકવાર ટેસ્ટ ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) જો રૂટને આગામી પાકિસ્તાન ટેસ્ટ શ્રેણીથી ફરી કેપ્ટન બનાવવાની તૈયારીમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.

જો રૂટ અગાઉ વર્ષ 2017થી 2022 દરમિયાન ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન રહી ચૂક્યા છે. તેના નેતૃત્વમાં ઈંગ્લેન્ડે અનેક યાદગાર જીત મેળવી હતી, જોકે અંતિમ સમયગાળામાં ટીમના નબળા પ્રદર્શન બાદ તેણે કેપ્ટનશિપ છોડી દીધી હતી. ત્યારબાદ બેન સ્ટોક્સે ટીમની કમાન સંભાળી હતી અને બ્રેન્ડન મેકકલમ સાથે મળીને ‘બેઝબોલ’ શૈલી દ્વારા ઈંગ્લેન્ડના ટેસ્ટ ક્રિકેટમાં નવી ઓળખ ઉભી કરી હતી.

હવે સ્ટોક્સના નિવૃત્તિના નિર્ણય પછી અનુભવી અને સ્થિર નેતૃત્વની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ECB જો રૂટ પર ફરી વિશ્વાસ મૂકવા તૈયાર હોવાનું કહેવાઈ રહ્યું છે. અહેવાલો મુજબ, રૂટ ઓછામાં ઓછા આગામી હોમ એશિઝ શ્રેણી સુધી ટીમનું નેતૃત્વ કરી શકે છે. બીજી તરફ, હેરી બ્રૂકને ભવિષ્યના લાંબા ગાળાના કેપ્ટન તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ હાલ માટે બોર્ડ અનુભવી ખેલાડી પર જ દાવ લગાવવા માંગે છે.

જો રૂટ હાલમાં વિશ્વ ક્રિકેટના શ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેનોમાં સામેલ છે અને સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. તેના અનુભવ અને શાંત સ્વભાવને કારણે ડ્રેસિંગ રૂમમાં પણ તેનું ખાસ મહત્વ છે. જો ECB આ નિર્ણયને સત્તાવાર મંજૂરી આપે છે તો પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીમાં રૂટ બીજી વખત ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરતા જોવા મળશે. ક્રિકેટ ચાહકો હવે બોર્ડની સત્તાવાર જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Exit mobile version