TEST SERIES

શરમજનક યાદીમાં વસીમ અકરમ અને અજહર અલીની કરી બરાબરી

વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાન વચ્ચે પોર્ટ ઑફ સ્પેનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનના ટેસ્ટ કેપ્ટન બાબર આઝમ શાનદાર બેટિંગ છતાં સદીથી વંચિત રહ્યા. બાબર 88 રન બનાવી રનઆઉટ થતાં પેવેલિયન પરત ફર્યા હતા. આ સાથે જ તેના નામે એક અનિચ્છનીય રેકોર્ડ પણ નોંધાયો છે.

બાબર આઝમ હવે પાકિસ્તાન તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત રનઆઉટ થનારા ખેલાડીઓની યાદીમાં સંયુક્ત બીજા સ્થાને પહોંચી ગયા છે. તેઓ અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં સાત વખત રનઆઉટ થયા છે. આ મામલે તેણે પૂર્વ કેપ્ટન અજહર અલી અને દિગ્ગજ ફાસ્ટ બોલર વસીમ અકરમની બરાબરી કરી છે. આ યાદીમાં પૂર્વ દિગ્ગજ બેટ્સમેન જાવેદ મિયાંદાદ આઠ વખત રનઆઉટ થઈને પ્રથમ સ્થાને છે. જો બાબર વધુ એક વખત ટેસ્ટમાં રનઆઉટ થશે તો તેઓ મિયાંદાદના આ અનિચ્છનીય રેકોર્ડની પણ બરાબરી કરી લેશે.

મેચ દરમિયાન બાબર આઝમ અને અબ્દુલ્લા શફીક વચ્ચે ત્રીજી વિકેટ માટે 183 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. બંને પાકિસ્તાનને મજબૂત સ્થિતિમાં લઈ જઈ રહ્યા હતા. જોકે એક સિંગલ લેવાના પ્રયાસમાં ગેરસમજ સર્જાઈ. બાબર અડધી પિચ સુધી પહોંચી ગયા હતા, પરંતુ શફીકે દોડવાનો ઇનકાર કર્યો. તે દરમિયાન બ્રેન્ડન કિંગે શોર્ટ કવર પરથી સીધો થ્રો મારી બાબરને રનઆઉટ કરી દીધા. બાબર 88 રને આઉટ થતાં છેલ્લા ચાર વર્ષથી ટેસ્ટ સદીની તેની રાહ વધુ લાંબી બની ગઈ.

બાબરના આઉટ થયા બાદ પાકિસ્તાનની ઇનિંગ્સ થોડું લથડી હતી અને માત્ર પાંચ રનની અંદર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. તેમ છતાં ટીમે પ્રથમ ઇનિંગ્સમાં 387 રન બનાવી 43 રનની મહત્વપૂર્ણ લીડ મેળવી હતી. ત્રીજા દિવસની રમત પૂર્ણ થતાં વેસ્ટ ઈન્ડિઝે બીજી ઇનિંગ્સમાં 103 રન પર છ વિકેટ ગુમાવી હતી. તેની કુલ લીડ માત્ર 60 રનની હતી, જેના કારણે મેચ પર પાકિસ્તાનની પકડ મજબૂત બની ગઈ છે અને વેસ્ટ ઈન્ડિઝ માટે અહીંથી મેચ બચાવવી મુશ્કેલ દેખાઈ રહી છે.

Exit mobile version