ઇંગ્લેન્ડના અનુભવી ઓલરાઉન્ડર લિયમ ડોસને અચાનક ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરીને ક્રિકેટ જગતમાં ચકચાર મચાવી દીધી છે. હેમ્પશર માટે લાંબા સમય સુધી રમનાર 36 વર્ષીય ડોસને તરત અસરથી રેડ-બોલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. ખાસ વાત એ છે કે ભારત સામે ગયા વર્ષે રમાયેલ મેનચેસ્ટર ટેસ્ટ તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ સાબિત થઈ.
લિયમ ડોસને ઇંગ્લેન્ડ માટે કુલ ચાર ટેસ્ટ મેચ રમી હતી અને ભારત સામેની પાંચ ટેસ્ટની સિરીઝ દરમિયાન તેની ફરી ટીમમાં વાપસી થવાની ચર્ચાઓ પણ ચાલી રહી હતી. જોકે અંતિમ પસંદગીમાં તેને સ્થાન મળ્યું નહોતું. હવે તેણે પોતાના કરિયરના નવા તબક્કા તરફ આગળ વધવાનો નિર્ણય કર્યો છે.
ડોસનનું આ પગલું હેમ્પશરના 2026 કાઉન્ટી ચેમ્પિયનશિપ સીઝનની શરૂઆત બાદ આવ્યું છે, જ્યાં તેણે ટીમના પ્રથમ પાંચમાંથી ચાર મેચમાં ભાગ લીધો હતો. તેમ છતાં હવે તેમણે રેડ-બોલ ક્રિકેટમાંથી દૂર રહી વ્હાઇટ-બોલ ફોર્મેટમાં વધુ સમય આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો છે.
લિયમ ડોસન હવે હેમ્પશર માટે વ્હાઇટ-બોલ ક્રિકેટમાં ઉપલબ્ધ રહેશે અને સાથે જ ‘ધ હન્ડ્રેડ’ ટૂર્નામેન્ટમાં મેનચેસ્ટર ઓરિજિનલ્સ માટે પણ રમતા રહેશે. તે આ વર્ષે ઇંગ્લેન્ડની T20 વર્લ્ડ કપ ટીમનો પણ ભાગ રહી ચૂક્યા છે.
ડોસને પોતાના નિવેદનમાં કહ્યું કે આ નિર્ણય સરળ નહોતો, પરંતુ પોતાના વ્હાઇટ-બોલ કરિયરને લાંબું બનાવવા માટે આ યોગ્ય સમય હોવાનું તેને લાગ્યું. તેણે હેમ્પશર માટે 200થી વધુ મેચ રમવાનો ગર્વ વ્યક્ત કર્યો.
હેમ્પશર માટેના પોતાના શાનદાર ફર્સ્ટ-ક્લાસ કરિયરમાં ડોસને 211 મેચમાં 10,718 રન બનાવ્યા અને 361 વિકેટ ઝડપી હતી. ઉપરાંત તેણે ક્લબને છ વ્હાઇટ-બોલ ટ્રોફી જીતાડવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

