પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)માં મોટા ફેરફારની તૈયારીઓ શરૂ થઈ હોવાનું સામે આવ્યું છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં પાકિસ્તાનનો 3-0થી ક્લીન સ્વીપ થયા બાદ હવે બોર્ડના કેટલાક મહત્વના અધિકારીઓ અને સપોર્ટ સ્ટાફ પર ગાજ પડી શકે છે. આ દરમિયાન પસંદગીકાર આકિબ જાવેદ અને મહિલા ટીમના મેન્ટર વહાબ રિયાઝને તેની જવાબદારીમાંથી દૂર કરવામાં આવી શકે છે.
રિપોર્ટ અનુસાર, PCBના ચેરમેન મોહસિન નકવી ટીમના સતત નિરાશાજનક પ્રદર્શનને કારણે દબાણમાં છે. પાકિસ્તાનની પુરુષ ટીમ ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં એકપણ મેચ જીતી શકી નહોતી. બીજી તરફ મહિલા ટીમનું પણ એશિયા કપમાં પ્રદર્શન ખાસ રહ્યું નહોતું. ભારત સામે મહિલા ટીમે ટી20માં પોતાનો સૌથી ઓછો સ્કોર કર્યો હતો અને બાદમાં સેમિફાઈનલમાં તેની સફર સમાપ્ત થઈ હતી.
આકિબ જાવેદ છેલ્લા બે વર્ષથી પાકિસ્તાન ક્રિકેટના અનેક મહત્વના નિર્ણયો સાથે જોડાયેલા રહ્યા છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં શરૂઆતની બે હાર બાદ PCBએ ટીમમાં પણ મોટો ફેરફાર કર્યો હતો. સાત ખેલાડીઓને ટીમમાંથી બહાર કરીને પરત મોકલવામાં આવ્યા હતા. સાથે જ હેડ કોચ સરફરાઝ અહમદ અને બોલિંગ કોચ ઉમર ગુલ પાસેથી પણ જવાબદારી પાછી લેવામાં આવી હતી. માઈક હેસનને ટેસ્ટ ટીમની કોચિંગ જવાબદારી સોંપવામાં આવી છે.
બીજી તરફ પૂર્વ પાકિસ્તાની ઝડપી બોલર વહાબ રિયાઝ હાલમાં મહિલા ક્રિકેટ ટીમના મેન્ટર તરીકે કામ કરી રહ્યા છે. આગામી એશિયન ગેમ્સ બાદ તેમની સેવાઓ પણ સમાપ્ત કરવાની યોજના હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
પાકિસ્તાન ક્રિકેટમાં સતત નિષ્ફળતા વચ્ચે PCB હવે કડક નિર્ણયો લેવાના મૂડમાં છે. આગામી દિવસોમાં આ ફેરફારોને લઈને સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે.
