TEST SERIES

કમિન્સ-હેઝલવુડ-લાયનની વાપસી

બાંગ્લાદેશ સામે આગામી બે ટેસ્ટ મેચોની શ્રેણી માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 13 સભ્યોની મજબૂત ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં કેપ્ટન પેટ કમિન્સ, અનુભવી ઝડપી બોલર જોશ હેઝલવુડ અને દિગ્ગજ ઓફ-સ્પિનર નાથન લાયનની વાપસી થઈ છે. ત્રણેય ખેલાડીઓ ઈજામાંથી સંપૂર્ણપણે સાજા થયા બાદ ફરી ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવ્યું છે, જેના કારણે ઓસ્ટ્રેલિયાના બોલિંગ આક્રમણને મોટો બળ મળશે.

બાંગ્લાદેશ સામેની આ ટેસ્ટ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના મહત્વપૂર્ણ ચક્રનો ભાગ છે. પ્રથમ ટેસ્ટ 13થી 17 ઓગસ્ટ દરમિયાન ડાર્વિનમાં રમાશે, જ્યારે બીજી ટેસ્ટ 22થી 26 ઓગસ્ટ દરમિયાન મેકેમાં યોજાશે. આ શ્રેણી ઓસ્ટ્રેલિયા માટે આગામી કઠિન આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ પહેલાં પોતાની મજબૂતાઈ સાબિત કરવાની સારી તક માનવામાં આવી રહી છે.

હેઝલવુડ એશિઝ શ્રેણી દરમિયાન હેમસ્ટ્રિંગ અને એચિલીસની ઈજાને કારણે બહાર હતો, જ્યારે કમિન્સ પીઠની ઈજાના કારણે મર્યાદિત મેચો જ રમી શક્યો હતો. બીજી તરફ, 38 વર્ષીય નાથન લાયન પણ હેમસ્ટ્રિંગની સર્જરી બાદ સંપૂર્ણ ફિટ થઈને ટીમમાં પરત ફર્યો છે. ત્રણેયની વાપસીથી મિચેલ સ્ટાર્ક સાથે ઓસ્ટ્રેલિયાનું અનુભવી બોલિંગ યુનિટ ફરી એકવાર એકસાથે જોવા મળી શકે છે.

પસંદગીકારોના અધ્યક્ષ જ્યોર્જ બેલીએ જણાવ્યું કે તમામ ખેલાડીઓની ફિટનેસ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર પડશે તો ટીમમાં ફેરફાર પણ થઈ શકે છે. જોકે, એશિઝમાં સારો દેખાવ કરનાર માઈકલ નેસરને આ વખતે સ્થાન મળ્યું નથી, જ્યારે સ્કોટ બોલાન્ડ પર પણ સૌની નજર રહેશે.

સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્નસ લાબુશેન, કેમેરોન ગ્રીન, બ્યુ વેબસ્ટર અને જોશ ઇંગ્લિસ જેવા અનુભવી ખેલાડીઓથી સજ્જ ઓસ્ટ્રેલિયન ટીમનું લક્ષ્ય બાંગ્લાદેશ સામે જીત મેળવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાનું પ્રભુત્વ વધુ મજબૂત બનાવવાનું રહેશે.

Exit mobile version