
એશિઝ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામેની શરમજનક હાર બાદ ઈંગ્લેન્ડની ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમના બે અનુભવી બોલરોને ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે.
આ બંને ખેલાડીઓને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી માટે પસંદ કરાયેલી ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. મંગળવારે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પ્રવાસ માટે પસંદ કરાયેલી ટીમની જાહેરાત કરી હતી.
વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી ટેસ્ટ શ્રેણી માટે પ્રવાસ પર આવનાર 16 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. એન્ડરસન અને બ્રાડની જોડીને આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. વિકેટ કીપર બેટ્સમેન જોસ બટલર પણ ટીમમાં જગ્યા બનાવી શક્યો નથી. જોકે, એશિઝ હાર બાદ પણ જો રૂટને કેપ્ટન તરીકે યથાવત રાખવામાં આવ્યો છે. ડરહામના ઓપનિંગ બેટ્સમેન એલેક્સ લીઝ અને યોર્કશાયરના ઝડપી બોલર મેથ્યુ ફિશરને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
જેમ્સ એન્ડરસન, ડેમ બેસ, સેમ બિલિંગ્સ, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જોસ બટલર, હસીબ હમીદ અને ડેવિડ મલાનને એશિઝની હાર બાદ ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. આ તમામ ખેલાડીઓ ગયા મહિને ઓસ્ટ્રેલિયામાં રમાયેલી એશિઝ શ્રેણીમાં ટીમનો ભાગ હતા.
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના વચગાળાના નિર્દેશક એન્ડ્રુ સ્ટ્રોસે કહ્યું, ‘હું જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ વિશે કહેવા માંગુ છું કે આ તેમના માટે અંત નથી. એવું લાગે છે કે અમારે કેટલીક નવી બોલિંગ કુશળતાને જોવી પડશે અને ભૂતકાળમાં ટીમનો ભાગ રહી ચૂકેલા અન્ય ખેલાડીઓને વધારાની જવાબદારી સોંપવી મહત્વપૂર્ણ રહેશે.
ઈંગ્લેન્ડ ટેસ્ટ ટીમ:
જો રૂટ (સી), જોનાથન બેરસ્ટો, જેક ક્રોલી, મેથ્યુ ફિશર, બેન ફોક્સ, ડેન લોરેન્સ, જેક લીચ, એલેક્સ લીસ, સાકિબ મહમૂદ, ક્રેગ ઓવરટોન, મેથ્યુ પાર્કિન્સન, ઓલી પોપ, ઓલી રોબિન્સન, બેન સ્ટોક્સ, ક્રિસ વોક્સ, માર્ક વુડ.
