TEST SERIES

93 વર્ષ જૂનો ભારતીય રેકોર્ડ કર્યો બરાબર

શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમના યુવા ડાબોડી સ્પિનર માનવ સુથારે શાનદાર પ્રદર્શન કરીને પોતાના નામે ઐતિહાસિક રેકોર્ડ નોંધાવ્યો છે. ગાલે ટેસ્ટની બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપવાની સાથે સુથાર ભારતનો પહેલો સ્પિનર અને કુલ મળીને માત્ર બીજો ભારતીય બોલર બન્યો છે, જેણે પોતાની પ્રથમ ઘરઆંગણે અને પ્રથમ વિદેશી ટેસ્ટ બંનેમાં પાંચ વિકેટની સિદ્ધિ મેળવી છે. આ સિદ્ધિ અગાઉ 93 વર્ષ પહેલા ઝડપી બોલર મોહમ્મદ નિસારે મેળવી હતી.

માનવ સુથારે જૂન 2026માં અફઘાનિસ્તાન સામે મુલ્લાનપુર ખાતે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. પોતાના પ્રથમ જ ટેસ્ટમાં તેણે પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ લઈને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારબાદ શ્રીલંકા પ્રવાસની ગાલે ટેસ્ટમાં પણ તેણે પોતાની બોલિંગનો જલવો જાળવી રાખ્યો. પ્રથમ ઇનિંગમાં સુથારે 4 વિકેટ ઝડપી હતી, જ્યારે બીજી ઇનિંગમાં માત્ર 55 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. આ રીતે તેણે મેચમાં કુલ 10 વિકેટ પોતાના નામે કરી અને ભારતની 165 રનની શાનદાર જીતમાં મહત્વની ભૂમિકા ભજવી.

ખાસ વાત એ રહી કે બીજી ઇનિંગના અંતિમ તબક્કામાં સુથારે એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી શ્રીલંકાની બાકી રહેલી આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. તેની આ ઘાતક બોલિંગના કારણે શ્રીલંકાની ટીમ 206 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને ભારતે બે ટેસ્ટની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી.

સુથાર માટે આ મેચમાં વધુ એક મોટો રેકોર્ડ પણ નોંધાયો. તે ટેસ્ટ ક્રિકેટમાં 10 વિકેટ લેનારો સૌથી યુવા ભારતીય બોલર બન્યો છે. ઉપરાંત, શ્રીલંકાની ધરતી પર એક ટેસ્ટમાં 10 વિકેટ લેનારો તે માત્ર ત્રીજો ભારતીય બોલર છે.

આ પહેલા મોહમ્મદ નિસારે 1932માં લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડ સામે પોતાની પ્રથમ વિદેશી ટેસ્ટમાં પાંચ વિકેટ લીધી હતી અને 1933માં મુંબઈમાં રમાયેલી પોતાની પ્રથમ ઘરઆંગણે ટેસ્ટમાં પણ પાંચ વિકેટ ઝડપી હતી. હવે 93 વર્ષ બાદ માનવ સુથારે આ ઐતિહાસિક સિદ્ધિનું પુનરાવર્તન કરીને ભારતીય ક્રિકેટમાં પોતાની આગવી ઓળખ બનાવી છે.

Exit mobile version