ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર-બેટર રિષભ પંતે શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કોલંબોમાં રમાઈ રહેલી આ ટેસ્ટના બીજા દિવસે પંતે એડમ ગિલક્રિસ્ટનો ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર વિકેટકીપરનો રેકોર્ડ પાછળ છોડી દીધો છે.
પંતે પોતાની ઇનિંગ દરમિયાન 101મી ટેસ્ટ સિક્સ ફટકારી અને આ સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ મારનારા બેટર્સની યાદીમાં ત્રીજા સ્થાન પર પહોંચી ગયો. અગાઉ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ વિકેટકીપર-બેટર એડમ ગિલક્રિસ્ટના નામે 100 ટેસ્ટ સિક્સનો રેકોર્ડ હતો. પંતે હવે આ આંકડો પાર કરીને પોતાનું નામ ક્રિકેટના રેકોર્ડ બુકમાં વધુ એક વખત નોંધાવ્યું છે.
ખાસ વાત એ છે કે થોડા દિવસ પહેલાં જ પંતે ટેસ્ટ ક્રિકેટમાં 100 સિક્સ પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો હતો. તેણે માત્ર 4,918 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી અને ગિલક્રિસ્ટનો 6,578 બોલમાં 100 સિક્સ સુધી પહોંચવાનો રેકોર્ડ પણ તોડ્યો હતો.
શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં પંત માટે શરૂઆત થોડી મુશ્કેલ રહી હતી. પ્રથમ દિવસે હાથના કાંડા પર બોલ વાગતાં તે રિટાયર્ડ હર્ટ થયો હતો. જોકે બીજા દિવસે મેદાન પર પરત ફર્યા બાદ તેણે શાનદાર બેટિંગ કરી અને 89 બોલમાં 63 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. પંતે ધ્રુવ જુરેલ સાથે 112 રનની ભાગીદારી કરીને ભારતીય ઇનિંગને મજબૂતી આપી.
પંતની આ આક્રમક બેટિંગે ફરી સાબિત કર્યું છે કે ટેસ્ટ ક્રિકેટમાં પણ તે સિક્સ ફટકારવાની પોતાની ખાસ શૈલીથી મેચનો રંગ બદલી શકે છે. હવે તેની નજર ટેસ્ટ ક્રિકેટમાં સિક્સના આંકડામાં વધુ ઊંચાઈ હાંસલ કરવા પર રહેશે.
RISHABH PANT HAS DONE IT! 🚨🔥
101* Test sixes for Pant — surpassing Adam Gilchrist’s 100! 🧨
Now the 3rd-most sixes in Test history. Absolute modern-day Test greatness! 👑#RishabhPant #Pant #TestCricket pic.twitter.com/m1nOoDkvVN— Crictoday (@crictoday) August 24, 2026
