TEST SERIES

201 રનની તોફાની ઇનિંગ આજે પણ યાદગાર

ભારત અને શ્રીલંકા વચ્ચે ગાલેમાં રમાનારી ટેસ્ટ મેચ પહેલા 2008ની એક યાદગાર મેચની ચર્ચા ફરી શરૂ થઈ છે. ગાલેનું મેદાન ભારતીય ક્રિકેટ માટે ખાસ રહ્યું છે અને અહીં વિરરેન્દ્ર સેહવાગે એવી ઐતિહાસિક ઇનિંગ રમી હતી, જેણે શ્રીલંકાના રહસ્યમય સ્પિનર અજંતા મેન્ડિસના જાદુને લગભગ નિષ્ફળ બનાવી દીધો હતો.

2008માં શ્રીલંકા પ્રવાસ દરમિયાન અજંતા મેન્ડિસ ભારતીય બેટ્સમેનો માટે મોટો પડકાર બનીને ઉભરી આવ્યો હતો. એશિયા કપમાં ભારત સામે શાનદાર બોલિંગ કર્યા બાદ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં પણ તેણે 8 વિકેટ ઝડપી ભારતને મુશ્કેલીમાં મૂક્યું હતું. પરંતુ ગાલેમાં રમાયેલી બીજી ટેસ્ટમાં સેહવાગે મેન્ડિસ સામે સંપૂર્ણપણે અલગ અંદાજમાં બેટિંગ કરી હતી.

ભારતે પ્રથમ બેટિંગ કરતા 329 રન બનાવ્યા હતા. ટીમના મોટાભાગના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા, પરંતુ સેહવાગે અણનમ 201 રનની ડબલ સેન્ચુરી ફટકારી. તેણે 231 બોલમાં 22 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે આ શાનદાર ઇનિંગ રમી હતી.

ખાસ વાત એ હતી કે મેન્ડિસે પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી, પરંતુ સેહવાગે તેની બોલિંગ સામે નિર્ભયતાથી હુમલો કર્યો. મેન્ડિસે સેહવાગને 84 બોલ ફેંક્યા, જેમાં ભારતીય ઓપનરે 77 રન બનાવ્યા. આ દરમિયાન સેહવાગે 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.

બીજી ઇનિંગમાં પણ સેહવાગે 50 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ભારતે શ્રીલંકાને 307 રનનો લક્ષ્યાંક આપ્યો, પરંતુ ભારતીય બોલરો સામે શ્રીલંકાની ટીમ માત્ર 136 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. હરભજન સિંહે મેચની બીજી ઇનિંગમાં 4 વિકેટ ઝડપી હતી.

ભારતે આ ટેસ્ટ મેચ 170 રનથી જીતી અને સેહવાગને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો. ગાલેમાં તેની 201 રનની ઇનિંગ માત્ર ડબલ સેન્ચુરી નહોતી, પરંતુ તે સમયે અજંતા મેન્ડિસના અપરાજિત ગણાતા સ્પિન જાદુ સામે સેહવાગના આક્રમક ક્રિકેટની યાદગાર મિસાલ બની હતી.

Exit mobile version