ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓફ-સ્પિનર Nathan Lyonએ પોતાની ફિટનેસ અને ભવિષ્યને લઈને મોટું નિવેદન આપ્યું છે. 38 વર્ષીય લાયને ઓસ્ટ્રેલિયન પસંદગીકારોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેઓ હજુ પણ દેશ માટે દરેક ટેસ્ટ મેચ રમવાની ક્ષમતા ધરાવે છે અને ટીમમાં પોતાની જગ્યા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
લાયન હાલમાં હેમસ્ટ્રિંગની ગંભીર ઇજામાંથી સાજા થઈ રહ્યા છે. ગયા વર્ષે એશિઝ શ્રેણી દરમિયાન તેને આ ઈજા થઈ હતી, જેના કારણે સર્જરી કરાવવાની પણ જરૂર પડી હતી. જોકે, લાંબા સમયથી ચાલી રહેલી રિહેબિલિટેશન પ્રક્રિયા બાદ હવે તેઓ ફરીથી મેદાન પર પરત ફરવા આતુર છે.
એક મીડિયા વાતચીત દરમિયાન લાયને જણાવ્યું કે જો તેને વિશ્વાસ ન હોત કે તેઓ તમામ ટેસ્ટ રમી શકે છે, તો તેઓ આટલી મહેનત ન કરતા. તેણે કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં તેણે કલાકો સુધી ટ્રેનિંગ અને પુનઃપ્રાપ્તિ પર કામ કર્યું છે અને હવે તેઓ ફરી ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવા તૈયાર છે.
લાયને સાથે જ એ પણ સ્વીકાર્યું કે ઓસ્ટ્રેલિયન ટીમમાં કોઈ ખેલાડીનું સ્થાન કાયમી નથી. પસંદગી મેળવવા માટે સતત સારું પ્રદર્શન કરવું જરૂરી છે. તેણે કહ્યું કે તેઓ જાણે છે કે સિલેક્ટર્સને પ્રભાવિત કરવા માટે મેદાન પર પરિણામ આપવું પડશે અને તે માટે તેઓ સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.
ઓસ્ટ્રેલિયા ઓગસ્ટમાં બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચોની ઘરેલુ શ્રેણી રમશે. લાયનને વિશ્વાસ છે કે તે શ્રેણી શરૂ થાય તે પહેલાં તેઓ સંપૂર્ણ ફિટ થઈ જશે. 567 ટેસ્ટ વિકેટ સાથે તેઓ ઓસ્ટ્રેલિયાના સૌથી સફળ બોલરોમાંના એક છે અને ટીમ માટે હજુ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

