ભારત અને ઇંગ્લેન્ડની ટીમો આવતા મહિને પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમશે. પહેલી ટેસ્ટ મેચ 20 જૂનથી હેડિંગ્લી ખાતે રમાશે. આ શ્રેણી પહેલા વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિએ ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલીઓ વધારી દીધી છે. આ દરમિયાન, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર મોઈન અલીએ આ શ્રેણી અંગે એક મોટી આગાહી કરી છે.
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર મોઈન અલી માને છે કે વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ આ ફોર્મેટ માટે ‘મોટો ફટકો’ છે. મોઈને સ્કાય સ્પોર્ટ્સને કહ્યું, ‘ટેસ્ટ ક્રિકેટ માટે આ એક મોટો ફટકો છે, વિરાટ એક અગ્રણી હતો, ટેસ્ટ ક્રિકેટમાં એક એવો માણસ હતો જેણે હંમેશા ફોર્મેટને આગળ ધપાવ્યો, તેણે રમત માટે ઘણું કર્યું છે, ખાસ કરીને ભારતમાં, મને લાગે છે કે સચિન પછી, તે એક એવો માણસ હતો જેને બધા જોવા આવતા હતા, તેણે સ્ટેડિયમ ભર્યા હતા.’
કોહલીની તીવ્રતા અને નેતૃત્વની પ્રશંસા કરતા મોઈને કહ્યું, ‘તેનો રેકોર્ડ શાનદાર હતો, તે જોવા જેવો એક મહાન ખેલાડી હતો – ખૂબ જ સ્પર્ધાત્મક અને એક શાનદાર કેપ્ટન. તે જે શૈલીથી રમ્યો તેનાથી ઘણા લોકોને પ્રેરણા મળી, આ માત્ર ભારત માટે જ નહીં પરંતુ રમત માટે પણ એક મોટો ફટકો છે.’
કોહલી-રોહિત પછી નવી ટીમ સાથે ભારત ઈંગ્લેન્ડ સામે રમશે, મોઈન માને છે કે યજમાન ટીમ શ્રેણીમાં ફેવરિટ રહેશે, ખાસ કરીને ઘરઆંગણાની પરિસ્થિતિઓથી પરિચિતતા અને બેન સ્ટોક્સ અને બ્રેન્ડન મેક્કુલમની આગેવાની હેઠળની તેમની ટેસ્ટ ટીમની ઊંડાઈને ધ્યાનમાં રાખીને.
તેણે કહ્યું કે, ઈંગ્લેન્ડ માટે શ્રેણી જીતવા માટે સારા સંકેતો દેખાઈ રહ્યા છે, પરંતુ હું ક્યારેય ભારત અથવા તેમની ક્ષમતાને ઓછી નહીં આંકીશ, ખાસ કરીને બેટિંગમાં. તેમની પાસે હજુ પણ મહાન ખેલાડીઓ છે, ફક્ત તેમની પાસે ઇંગ્લેન્ડમાં રમવાનો અનુભવ નથી અને તે એવી વસ્તુ છે જેની તમને ખરેખર જરૂર છે.