TEST SERIES

લાથમ-કોન્વેની 317 રનની ઐતિહાસિક ભાગીદારી

ઇંગ્લેન્ડ સામે ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાઈ રહેલી ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટના પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડના ઓપનર ટોમ લાથમ અને ડેવોન કોન્વેએ શાનદાર બેટિંગ કરીને ઇતિહાસ રચ્યો. બંનેએ પ્રથમ વિકેટ માટે 317 રનની વિશાળ ભાગીદારી નોંધાવી, જેના કારણે ન્યૂઝીલેન્ડે મેચ પર મજબૂત પકડ બનાવી લીધી. આ ભાગીદારી દરમિયાન લાથમે 151 જ્યારે કોન્વેએ 157 રનની યાદગાર ઇનિંગ્સ રમી હતી. દિવસના અંતે ન્યૂઝીલેન્ડનો સ્કોર 4 વિકેટે 361 રન હતો.

આ 317 રનની ભાગીદારી ન્યૂઝીલેન્ડ દ્વારા ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વિકેટ માટેની અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી બની છે. આ પહેલાં 1930માં જેકી મિલ્સ અને સ્ટીવી ડેમ્પસ્ટરે 276 રનની ભાગીદારી નોંધાવી હતી. લગભગ 96 વર્ષ બાદ આ ઐતિહાસિક રેકોર્ડ તૂટ્યો છે.

લાથમ અને કોન્વેની જોડી માટે પણ આ સિદ્ધિ ખાસ રહી. ટેસ્ટ ક્રિકેટમાં બંનેએ બીજી વખત 300થી વધુ રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી છે. આ પહેલા ડિસેમ્બર 2025માં વેસ્ટ ઇન્ડિઝ સામે બંનેએ 323 રનની ભાગીદારી કરી હતી. ટેસ્ટ ઇતિહાસમાં એકથી વધુ વખત 300થી વધુ રનની ઓપનિંગ ભાગીદારી કરનાર તેઓ માત્ર બીજી જોડી બની છે.

ઇંગ્લેન્ડના બોલરો માટે આખો દિવસ નિરાશાજનક રહ્યો. શરૂઆતના બે સત્રમાં તેઓ એકપણ વિકેટ લઈ શક્યા નહોતા. જોકે અંતિમ સત્રમાં બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર અને ગસ એટકિન્સને વિકેટ મેળવી ઇંગ્લેન્ડને થોડી રાહત અપાવી હતી. તેમ છતાં પ્રથમ દિવસનો સંપૂર્ણ દબદબો ન્યૂઝીલેન્ડના નામે રહ્યો અને લાથમ-કોન્વેની રેકોર્ડબ્રેકિંગ ભાગીદારીએ મેચનું ચિત્ર બદલાવી દીધું.

Exit mobile version