TEST SERIES

પાકિસ્તાનના બોલરો પર તૂટી પડ્યા મુશફિકુર રહીમ

બાંગ્લાદેશના અનુભવી વિકેટકીપર-બેટ્સમેન Mushfiqur Rahimએ પાકિસ્તાન સામે ચાલી રહેલી સિલહટ ટેસ્ટમાં શાનદાર શતક ફટકારી ઇતિહાસ રચ્યો છે. રહીમે પોતાની ટેસ્ટ કારકિર્દીની 14મી સદી નોંધાવી અને તે સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં બાંગ્લાદેશ માટે સૌથી વધુ શતક ફટકારનાર બેટ્સમેન બની ગયા છે.

આ પહેલાં આ રેકોર્ડ Mominul Haqueના નામે હતો, જેમણે ટેસ્ટ ક્રિકેટમાં 13 સદી ફટકારી હતી. રહીમે બીજી ઇનિંગમાં શાંત અને જવાબદાર બેટિંગ કરતાં પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. તેની આ ઇનિંગે એક વખત ફરી સાબિત કર્યું કે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તેઓ બાંગ્લાદેશની બેટિંગનો સૌથી મોટો આધાર છે.

39 વર્ષીય મુશફિકુર રહીમ લાંબા સમયથી બાંગ્લાદેશ ક્રિકેટનો મહત્વપૂર્ણ ભાગ રહ્યા છે. તેણે અત્યાર સુધી 100થી વધુ ટેસ્ટ મેચોમાં 6700થી વધુ રન બનાવ્યા છે. માત્ર ટેસ્ટ જ નહીં, વનડે ક્રિકેટમાં પણ તેનું યોગદાન વિશાળ રહ્યું છે. ODI ફોર્મેટમાં તે બાંગ્લાદેશ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં બીજા સ્થાને છે અને તેના નામે 7700થી વધુ રન નોંધાયેલા છે. ઉપરાંત તેણે 100થી વધુ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.

રહીમની આ સિદ્ધિની સરખામણી ભારતના દિગ્ગજ બેટ્સમેન Sachin Tendulkar સાથે થઈ રહી છે. જેમ સચિન ભારત અને વિશ્વ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 51 સદી ફટકારનાર બેટ્સમેન છે, તેવી જ રીતે રહીમ હવે બાંગ્લાદેશ માટે ટેસ્ટમાં સૌથી વધુ સદી બનાવનાર ખેલાડી બની ગયા છે.

આ સમગ્ર ટેસ્ટ શ્રેણીમાં પણ રહીમ શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યા છે. મીરપુર ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં તેણે મહત્વપૂર્ણ 71 રનની ઇનિંગ રમી હતી, જેના આધારે બાંગ્લાદેશે પાકિસ્તાન સામે ઐતિહાસિક જીત મેળવી હતી. હાલમાં બાંગ્લાદેશ બે મેચોની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી આગળ છે અને સિલહટ ટેસ્ટમાં પણ ટીમની સ્થિતિ મજબૂત માનવામાં આવી રહી છે.

Exit mobile version