TEST SERIES

ટીવી પર નહીં, મોબાઇલમાં જુઓ BAN vs PAK

બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે World Test Championship 2025-27 હેઠળ બે ટેસ્ટ મેચોની મહત્વપૂર્ણ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. બંને ટીમો વચ્ચેનો પ્રથમ ટેસ્ટ 8 મે થી રમાશે, જેને લઈને ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે ભારતના દર્શકો આ સિરીઝ ટીવી પર નહીં જોઈ શકે, પરંતુ મોબાઇલ, લેપટોપ અને સ્માર્ટ ટીવી પર સરળતાથી લાઇવ મેચનો આનંદ લઈ શકશે.

ભારતીય સમય મુજબ પ્રથમ ટેસ્ટ સવારે 9 વાગ્યે શરૂ થશે. સિરીઝ WTCનો ભાગ હોવાથી બંને ટીમો માટે આ મુકાબલા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. હેડ-ટુ-હેડ આંકડાઓની વાત કરીએ તો બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી કુલ 15 ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાં પાકિસ્તાને 12 મેચ જીતી છે, જ્યારે બાંગ્લાદેશે 2 જીત મેળવી છે. એક મેચ ડ્રો રહી હતી.

આ સિરીઝનું ભારતમાં કોઈ ટીવી બ્રોડકાસ્ટ કરવામાં આવશે નહીં. જોકે ક્રિકેટ ચાહકો FanCode એપ દ્વારા મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકશે. મોબાઇલ અને લેપટોપ ઉપરાંત સ્માર્ટ ટીવીમાં પણ FanCode એપ દ્વારા મેચનો આનંદ માણી શકાશે. પાકિસ્તાનમાં આ સિરીઝનું પ્રસારણ PTV Sports પર કરવામાં આવશે.

બાંગ્લાદેશ ટીમની કમાન નજમુલ હુસૈન શાંતો સંભાળશે, જ્યારે ટીમમાં મુશફિકુર રહીમ, લિટન દાસ અને મહેંદી હસન મિરાઝ જેવા અનુભવી ખેલાડીઓનો સમાવેશ થાય છે. બીજી તરફ પાકિસ્તાનની આગેવાની શાન મસૂદ કરશે. ટીમમાં બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને શાહીન શાહ આફ્રિદી જેવા સ્ટાર ખેલાડીઓ સામેલ છે.

હવે જોવાનું રહેશે કે WTCની આ મહત્વપૂર્ણ સિરીઝમાં કઈ ટીમ જીત સાથે મજબૂત શરૂઆત કરે છે.

Exit mobile version