TEST SERIES

શ્રીલંકા સામે પડિક્કલનો ધમાકેદાર સદીનો શો

શ્રીલંકા પ્રવાસે ટેસ્ટ સિરીઝ શરૂ થાય તે પહેલાં ટીમ ઈન્ડિયાના બેટર દેવદત્ત પડિક્કલે શાનદાર સદી ફટકારીને પોતાની તૈયારીઓનો જોરદાર પરિચય આપ્યો છે. શ્રીલંકા ક્રિકેટ ઈલેવન સામે રમાઈ રહેલી ત્રણ દિવસીય વોર્મ-અપ મેચમાં પડિક્કલે શ્રીલંકન બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. તેમની આ ઇનિંગ્સે આગામી ટેસ્ટ સિરીઝ પહેલાં ભારતીય ટીમ મેનેજમેન્ટને રાહત આપી છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની બે ટેસ્ટ મેચોની સિરીઝ 15 ઓગસ્ટથી શરૂ થવાની છે.

પડિક્કલને શરૂઆતમાં પીચ અને પરિસ્થિતિને સમજવા માટે થોડો સમય લીધો, પરંતુ ત્યાર બાદ તેમણે આક્રમક બેટિંગ શરૂ કરી હતી. ડાબોડી બેટરે શ્રીલંકાના ઝડપી બોલરો તેમજ સ્પિનરો સામે આત્મવિશ્વાસ સાથે શોટ્સ રમ્યા અને સતત બાઉન્ડરી ફટકારી. તેની સદીએ ટીમ ઈન્ડિયાના બેટિંગ વિભાગમાં રહેલી ઊંડાઈ પણ દર્શાવી છે.

આ વોર્મ-અપ મેચ ભારત માટે ખાસ મહત્વની છે, કારણ કે શ્રીલંકાની પરિસ્થિતિમાં ટેસ્ટ ક્રિકેટ માટે ખેલાડીઓને તૈયાર થવાની આ મહત્વપૂર્ણ તક છે. મૂળ ચાર દિવસની રાખવામાં આવેલી આ પ્રેક્ટિસ મેચને ત્રણ દિવસની કરવામાં આવી છે અને મુકાબલો કોલંબોના નૉન્ડેસ્ક્રિપ્ટ્સ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ પર રમાઈ રહ્યો છે.

પડિક્કલને શ્રીલંકા સામેની ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી 15 સભ્યોની ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કારણે વોર્મ-અપ મેચમાં તેનું પ્રદર્શન વધુ મહત્વનું બની જાય છે.

ભારત હાલમાં ટેસ્ટ સિરીઝ પહેલાં પોતાના ખેલાડીઓના સંયોજનને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારીમાં છે. આવી સ્થિતિમાં પડિક્કલની સદી તેમને પ્લેઇંગ-11માં સ્થાન મેળવવા માટે મજબૂત દાવેદાર બનાવી શકે છે. તેની આ ઇનિંગ્સે માત્ર શ્રીલંકન બોલરોને મુશ્કેલીમાં મૂક્યા નથી, પરંતુ ટેસ્ટ સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાને એક મોટો સકારાત્મક સંકેત પણ આપ્યો છે.

Exit mobile version