આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) આગામી વર્ષોમાં ક્રિકેટને વધુ રોમાંચક અને વ્યાવસાયિક બનાવવા માટે અનેક મોટા ફેરફારો પર વિચાર કરી રહી છે. એડિનબર્ગમાં યોજાયેલી ICCની વાર્ષિક બેઠકમાં વર્લ્ડ કપ, ટી20 વર્લ્ડ કપ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) અને નવા ક્લબ આધારિત ટૂર્નામેન્ટને લઈને મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. જોકે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી, પરંતુ આ તમામ પ્રસ્તાવો ક્રિકેટના ભવિષ્યને બદલવાની ક્ષમતા ધરાવે છે.
અહેવાલ મુજબ, 2027થી શરૂ થનારા વનડે વર્લ્ડ કપના ફોર્મેટમાં ફેરફાર થઈ શકે છે. એક પ્રસ્તાવ અનુસાર ટીમોની સંખ્યા ઘટાડીને 12 કરવામાં આવે અને ‘સુપર સેવન’ સ્ટેજનો સમાવેશ કરવામાં આવે. તેનો હેતુ વધુ હાઈ-પ્રોફાઇલ અને રોમાંચક મુકાબલા યોજવાનો છે. બીજી તરફ ટી20 વર્લ્ડ કપમાં હાલના ‘સુપર 8’ને બદલે ‘સુપર 10’ સ્ટેજ લાવવાનો પણ વિચાર ચાલી રહ્યો છે.
આ ઉપરાંત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ મોટા ફેરફારોની ચર્ચા થઈ છે. WTCમાં વધુ ટીમોને સ્થાન આપવા, સેમિફાઇનલનો સમાવેશ કરવા અને સ્પર્ધાને વધુ વ્યાપક બનાવવાના વિકલ્પો પર વિચારણા થઈ રહી છે. જોકે ICCએ સ્પષ્ટ કર્યું છે કે આ અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી અને આગામી મહિનાઓમાં વધુ ચર્ચા બાદ નિર્ણય લેવાશે.
સૌથી રસપ્રદ પ્રસ્તાવ ‘વર્લ્ડ ક્લબ ટી20’ ટૂર્નામેન્ટનો છે. ફૂટબોલના ક્લબ વર્લ્ડ કપની જેમ વિશ્વભરની અગ્રણી ટી20 ફ્રેન્ચાઇઝીઓને એક જ મંચ પર ટકરાવવાનો વિચાર છે. જો આ ટૂર્નામેન્ટને મંજૂરી મળશે તો IPL, BBL, SA20, ILT20 અને અન્ય મોટી લીગોની ચેમ્પિયન ટીમો વચ્ચે વિશ્વ ચેમ્પિયન બનવા માટે સ્પર્ધા જોવા મળી શકે છે.
