TEST SERIES

સ્ટોક્સના વર્તન પર ઉઠ્યા સવાલ

ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન એક વિવાદાસ્પદ ઘટના ચર્ચાનો વિષય બની છે. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ન્યૂઝીલેન્ડના મિચેલ સેન્ટનરને આઉટ કર્યા બાદ તેની સાથે થયેલા શારીરિક સંપર્કને લઈને હવે ICCના નિયમો હેઠળ ડીમેરિટ પોઇન્ટ મળી શકે છે કે નહીં તે અંગે ચર્ચા શરૂ થઈ છે.

ઘટના ત્યારે બની જ્યારે સ્ટોક્સની શોર્ટ બોલ સેન્ટનરના હાથ પાસે લાગી અને ગલીમાં જેકબ બેથેલે કેચ ઝડપી લીધો. મેદાની અમ્પાયરે આઉટ આપતા સેન્ટનરે તરત જ DRS લીધો અને દાવો કર્યો કે બોલ તેના આર્મ ગાર્ડને લાગ્યો હતો, ગ્લવ્સને નહીં. જોકે થર્ડ અમ્પાયરે ઉપલબ્ધ એંગલના આધારે નિર્ણય યથાવત રાખ્યો અને સેન્ટનરને આઉટ જાહેર કર્યા. બાદમાં અન્ય ટીવી રીપ્લેમાં બોલ આર્મ ગાર્ડને લાગ્યો હોવાની ચર્ચા પણ થઈ, જેના કારણે નિર્ણય પર સવાલો ઊભા થયા.

રીવ્યૂ દરમિયાન સ્ટોક્સે સેન્ટનરના હાથના ગ્લવ્સના ભાગને હળવેથી સ્પર્શ કરીને બોલ ક્યાં લાગ્યો હતો તે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ જ ઘટનાને લઈને હવે ICCની આચારસંહિતાના લેવલ-1 નિયમ હેઠળ “અયોગ્ય શારીરિક સંપર્ક”નો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જોકે બંને ખેલાડીઓ વચ્ચે કોઈ ઉગ્ર બોલાચાલી કે આક્રમકતા જોવા મળી નહોતી અને સેન્ટનરે પણ અસંતોષ વ્યક્ત કર્યો નહોતો.

ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે સ્ટોક્સનો ઈરાદો વિવાદ ઉભો કરવાનો નહોતો, છતાં ICC મેચ રેફરી આ ઘટનાની સમીક્ષા કરી શકે છે. જો નિયમભંગ માનવામાં આવશે તો સ્ટોક્સને દંડ અથવા ડીમેરિટ પોઇન્ટ મળી શકે છે. બીજી તરફ આ વિકેટે સ્ટોક્સ માટે ખાસ સિદ્ધિ પણ નોંધાવી, કારણ કે આ તેની ટેસ્ટ કારકિર્દીની 250મી વિકેટ હતી.

Exit mobile version