ભારત ‘A’ અને શ્રીલંકા ‘A’ વચ્ચે ગોલમાં રમાઈ રહેલી બીજી અનઑફિશિયલ ટેસ્ટ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. શ્રીલંકા ‘A’ની ટીમે પ્રથમ ઇનિંગ્સમાં 110 ઓવરમાં 366 રન બનાવ્યા, પરંતુ અંતે ભારતીય બોલરોએ સમયસર વિકેટો ઝડપી યજમાન ટીમને વધુ મોટો સ્કોર કરતાં અટકાવી. ભારત તરફથી સારાંશ જૈન અને ગુરનૂર બ્રાર સૌથી સફળ બોલર સાબિત થયા. બંનેએ ચાર-ચાર વિકેટ ઝડપી મેચમાં ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું.
શ્રીલંકા ‘A’ માટે કેપ્ટન સહાન અરાચ્ચિગેએ જવાબદારીભરી બેટિંગ કરતાં 207 બોલમાં 127 રનની યાદગાર સદી ફટકારી. તેની ઇનિંગ્સમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થયો હતો. ઉપરાંત અંજાલા બંદારાએ 42, નુવાનિદુ ફર્નાન્ડોએ 44, પવનથા વીરાસિંઘેએ 39 અને આશેન બંદારાએ 34 રનનું યોગદાન આપ્યું, જેના કારણે શ્રીલંકા ‘A’ સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું.
ભારત તરફથી ગુરનૂર બ્રારે 22 ઓવરમાં 77 રન આપી 4 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી. તેણે કેપ્ટન અરાચ્ચિગે સહિત નીચલા ક્રમના બેટરોને પેવેલિયન મોકલી શ્રીલંકાની ઇનિંગ્સનો અંત ઝડપથી લાવ્યો. બીજી તરફ ઑફ-સ્પિનર સારાંશ જૈને 30 ઓવરમાં 92 રન આપી 4 વિકેટ ઝડપી. તેણે અંજાલા બંદારા અને દિલુમ સુદીરા જેવા મહત્વના બેટરોને આઉટ કરીને ભારતને મેચમાં મજબૂત વાપસી કરાવી.
આ ઉપરાંત યશ ઠાકુરે પણ અસરકારક બોલિંગ કરી. તેણે 2 વરમાં 5 મેઇડન સાથે માત્ર 46 રન આપી 2 વિકેટ ઝડપી. જોકે અકિબ નબી અને ઝીશાન અન્સારીને આ ઇનિંગ્સમાં કોઈ સફળતા મળી નહોતી. હવે ભારત ‘A’ની બેટિંગ પર સૌની નજર રહેશે કે ટીમ પ્રથમ ઇનિંગ્સમાં શ્રીલંકા સામે કેટલી મજબૂત જવાબી શરૂઆત કરી શકે છે.
Saransh Jain & Gurnoor Brar starred with the ball for India A in the 2nd unofficial test in Galle 👏🔥#INDvSL #GurnoorBrar #SaranshJain #TeamIndia pic.twitter.com/mKDqHHFG8q
— CricketTimes.com (@CricketTimesHQ) July 3, 2026
