શ્રીલંકા સામેની આગામી બે ટેસ્ટ મેચની સિરીઝ પહેલા ભારતીય ટીમમાં સરફરાઝ ખાનની વાપસી થઈ છે. ઈજાગ્રસ્ત સાઈ સુદર્શનના સ્થાને સરફરાઝને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સમાચાર બાદ સરફરાઝના પરિવાર અને ખાસ કરીને તેના પિતા નૌશાદ ખાનની ખુશીનો પાર રહ્યો નહોતો. પુત્રની લાંબી મહેનત બાદ ફરી એકવાર ટીમ ઈન્ડિયામાં પસંદગી થતાં નૌશાદ ભાવુક થઈ ગયા અને તેણે એક શાયરી દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરી.
નૌશાદ ખાને પોતાના સંદેશમાં કહ્યું કે, ઘણી રાતો બાદ સૂરજ ઉગ્યો છે, પરંતુ મહેનત કરનાર વ્યક્તિને હંમેશા કિસ્મતનો સાથ મળે છે. તેના આ શબ્દોમાં સરફરાઝની ક્રિકેટ સફર માટેનો સંઘર્ષ અને પરિવારની લાંબી રાહ સ્પષ્ટ જોવા મળી હતી. પિતાના આ ભાવુક સંદેશ બાદ સરફરાઝ પણ ભાવુક થઈ ગયા હતા.
સરફરાઝે વર્ષ 2024માં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે ભારત માટે કુલ છ ટેસ્ટ મેચ રમી છે, જેમાં 11 ઇનિંગ્સમાં 37.10ની સરેરાશથી 371 રન બનાવ્યા છે. તેના નામે એક સદી અને ત્રણ અડધી સદી છે, જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 150 રન છે. ભારત માટે તેની છેલ્લી ટેસ્ટ મેચ નવેમ્બર 2024માં ન્યૂઝીલેન્ડ સામે હતી.
આ દરમિયાન સરફરાઝે ઘરેલુ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરીને પોતાની દાવેદારી મજબૂત રાખી હતી. ફિટનેસ અને સતત મહેનત પર પણ તેણે ખાસ ધ્યાન આપ્યું હતું. હવે તેની સામે શ્રીલંકાની પરિસ્થિતિમાં પોતાની ક્ષમતા સાબિત કરવાની મોટી તક છે.
ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ 15 ઓગસ્ટથી ગાલેમાં શરૂ થશે. સરફરાઝને પ્લેઇંગ-11માં તક મળે છે કે નહીં તેના પર પણ ક્રિકેટ ચાહકોની નજર રહેશે. તેની વાપસી માત્ર એક ખેલાડીની પસંદગી નહીં, પરંતુ લાંબી મહેનત અને ધીરજનું પરિણામ માનવામાં આવી રહી છે.
His father, Naushad, turned to poetry to celebrate the moment.https://t.co/Rqr4OnrFPd
— Crictoday (@crictoday) August 11, 2026

