TEST SERIES

શાન મસૂદ ફિટ

પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા સારા સમાચાર સામે આવ્યા છે. ટીમના અનુભવી બેટર અને પૂર્વ ટેસ્ટ કેપ્ટન શાન મસૂદ હવે ઈજામાંથી સાજા થઈ ગયા છે અને ઈંગ્લેન્ડ સામે રમવા માટે ફિટ જાહેર થયા છે. આ સમાચાર પાકિસ્તાન માટે મહત્વપૂર્ણ છે, કારણ કે શાન મસૂદ ટીમના ટોપ ઓર્ડરમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

શાન મસૂદને વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન ડાબા હાથની આંગળીમાં ઈજા થઈ હતી. મેચ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના ઝડપી બોલર જયડન સીલ્સનો બોલ તેની આંગળી પર વાગ્યો હતો. આ ઈજાના કારણે તેઓ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા હતા અને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં રમશે કે નહીં તે અંગે પણ શંકા હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તે સમયે જણાવ્યું હતું કે તેમની ઉપલબ્ધતા રિકવરી અને મેડિકલ પ્રોગ્રેસ પર નિર્ભર રહેશે.

ઈજા હોવા છતાં શાન મસૂદે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે 109 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમીને પાકિસ્તાનની બેટિંગને સંભાળી હતી. જોકે બાદમાં ઈજાની અસરને કારણે બીજી ઇનિંગ્સમાં તેઓ પોતાની સામાન્ય બેટિંગ પોઝિશન પર બેટિંગ કરી શક્યા નહોતા અને માત્ર 3 રન બનાવીને આઉટ થયા હતા. પાકિસ્તાન આ મેચ 90 રને હારી ગયું હતું.

હવે શાન મસૂદની ફિટનેસ પાકિસ્તાન માટે મોટી રાહત છે. પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી 19 ઓગસ્ટથી શરૂ થવાની છે. પ્રથમ ટેસ્ટ લીડ્સના હેડિંગ્લે મેદાન પર રમાશે. ઈંગ્લેન્ડની પરિસ્થિતિમાં પાકિસ્તાનને શાન મસૂદ જેવા અનુભવી બેટરની ખાસ જરૂર પડશે. તેની વાપસીથી પાકિસ્તાનની ટોપ ઓર્ડર બેટિંગ વધુ મજબૂત બની શકે છે.

શાન મસૂદની ફિટનેસ બાદ પાકિસ્તાનની નજર હવે ઈંગ્લેન્ડ સામે મજબૂત શરૂઆત કરવા પર રહેશે.

Exit mobile version