ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ સિરીઝ શરૂ થાય તે પહેલાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વચ્ચેની મસ્તીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ હાથમાં ટ્રિમર લઈને બેટર સરફરાઝ ખાનના વાળ કાપતા જોવા મળી રહ્યા છે. શ્રીલંકા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વચ્ચેનું આ મસ્તીભર્યું બોન્ડિંગ ચાહકોને પણ ખૂબ પસંદ આવી રહ્યું છે.
વાયરલ થયેલા વીડિયોમાં સિરાજ સલૂનમાં બેઠેલા સરફરાઝ ખાનના વાળ કાપવાની જવાબદારી સંભાળે છે. સામાન્ય રીતે મેદાન પર પોતાની આક્રમક બોલિંગ માટે જાણીતા સિરાજ અહીં એકદમ અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. ટ્રિમરથી સરફરાઝના વાળ કાપતી વખતે બંને ખેલાડીઓ વચ્ચે મજાક-મસ્તીનો માહોલ જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકો પણ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
સરફરાઝ ખાન માટે શ્રીલંકા ટેસ્ટ સિરીઝ ખાસ મહત્વ ધરાવે છે. સાઈ સુદર્શન ઈજાના કારણે સિરીઝમાંથી બહાર થયા બાદ સરફરાઝને ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સુદર્શનના જમણા પગના અંગૂઠામાં સ્ટ્રેસ ઈન્જરી હોવાનું સામે આવ્યું હતું, જેના કારણે સરફરાઝને ટીમમાં વાપસીની તક મળી છે.
હવે સરફરાઝની નજર મેદાન પર પોતાના પ્રદર્શનથી પસંદગી યોગ્ય સાબિત કરવા પર રહેશે. જોકે, તેમની સામે પ્લેઇંગ-11માં સ્થાન મેળવવા માટે ધ્રુવ જુરેલ સાથે સ્પર્ધા પણ છે. શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ પહેલાં ટીમ મેનેજમેન્ટ માટે નંબર-6નું સ્થાન મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય બન્યું છે.
બીજી તરફ, સિરાજ પણ ટીમના મુખ્ય ઝડપી બોલરોમાં સામેલ છે. તાજેતરના પ્રેક્ટિસ મેચમાં તેમણે બેટિંગમાં પણ ચોંકાવનારું પ્રદર્શન કરીને અંતિમ ઓવરમાં સતત ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. હવે ટેસ્ટ સિરીઝમાં તેમની પાસેથી બોલિંગમાં શાનદાર પ્રદર્શનની અપેક્ષા છે.
શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં સિરાજનો ‘બાર્બર’ અવતાર ટીમ ઈન્ડિયાની અંદરની મસ્તી અને ખેલાડીઓ વચ્ચેના મજબૂત સંબંધની ઝલક આપે છે.
Grooming time 🥰🥰 pic.twitter.com/5KbVi0BZg5
— Gill@77 (@Shraddh34436813) August 11, 2026
