દક્ષિણ આફ્રિકાના પૂર્વ ટેસ્ટ કેપ્ટન અને અનુભવી ઓપનર ડીન એલ્ગરે પ્રોફેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 39 વર્ષીય એલ્ગર 2026ની કાઉન્ટી ચેમ્પિયનશિપ સીઝન પૂર્ણ થયા બાદ ક્રિકેટને અલવિદા કહેશે. આ સાથે તેની બે દાયકાથી વધુ લાંબી શાનદાર ક્રિકેટ કારકિર્દીનો અંત આવશે.
ડાબોડી બેટ્સમેન એલ્ગર દક્ષિણ આફ્રિકાના સૌથી વિશ્વસનીય ટેસ્ટ ઓપનરોમાંના એક રહ્યા છે. તેણે 86 ટેસ્ટ મેચમાં 5,347 રન બનાવ્યા છે, જેમાં 14 સદી અને 23 અડધી સદી સામેલ છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 199 રન રહ્યો હતો. કઠિન પરિસ્થિતિઓમાં લાંબી ઇનિંગ રમવાની તેમની ક્ષમતા માટે તેઓ ખાસ જાણીતા હતા.
એલ્ગરે 2012માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ ટીમના મહત્વના ખેલાડી બન્યા હતા. 2021માં તેને દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી. કેપ્ટન તરીકે પણ તેણે ટીમને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારત સામે જાન્યુઆરી 2024માં રમાયેલી ટેસ્ટ મેચ તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની અંતિમ મેચ બની હતી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ એલ્ગરે ઇંગ્લેન્ડમાં એસેક્સ માટે કાઉન્ટી ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું. હવે 2026ની કાઉન્ટી સીઝન પૂર્ણ થયા બાદ તેઓ સંપૂર્ણપણે પ્રોફેશનલ ક્રિકેટથી દૂર થઈ જશે.
એલ્ગરની કારકિર્દી દ્રઢતા, સંઘર્ષ અને ટેસ્ટ ક્રિકેટ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે યાદ રહેશે. ટી20 ક્રિકેટના વધતા પ્રભાવ વચ્ચે પણ તેઓ લાંબા ફોર્મેટના પરંપરાગત ક્રિકેટના મજબૂત પ્રતિનિધિ રહ્યા. તેની નિવૃત્તિ સાથે દક્ષિણ આફ્રિકાના ક્રિકેટના એક મહત્વપૂર્ણ યુગનો અંત આવ્યો છે.
🚨 Dean Elgar is set to retire from professional cricket after the 2026 County season pic.twitter.com/LmmJi2DMpB
— Cricbuzz (@cricbuzz) August 26, 2026

