TEST SERIES

કીવી ટેસ્ટ ટીમમાં ફરી ગર્જશે ઝડપ

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આયર્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચ અને ઇંગ્લેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝ માટે પોતાની ટેસ્ટ ટીમ જાહેર કરી છે. આ સ્ક્વાડમાં સૌથી મોટી ખુશખબર ઝડપી બોલર કાઇલ જેમીસન અને વિલ ઓ’રૂર્કેની વાપસી રહી છે. બંને ખેલાડીઓ લાંબા સમય બાદ ટેસ્ટ ટીમમાં પરત ફરતા કીવી ફેન્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

31 વર્ષીય કાઇલ જેમીસને છેલ્લી ટેસ્ટ મેચ 2024માં સાઉથ આફ્રિકા સામે રમી હતી. અત્યાર સુધી તે 19 ટેસ્ટમાં 80 વિકેટ ઝડપી ચૂક્યા છે અને બેટિંગમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. બીજી તરફ 24 વર્ષીય વિલ ઓ’રૂર્કેએ માત્ર 11 ટેસ્ટમાં 39 વિકેટ લઈને પોતાની પ્રતિભા સાબિત કરી છે.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપતાં જણાવ્યું કે બંને ઝડપી બોલરો હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને આવનારી સિરીઝ માટે ઉપલબ્ધ રહેશે. તેની સાથે મેટ હેનરી, નાથન સ્મિથ, બ્લેયર ટિકનર અને ઝેકરી ફોલ્ક્સ જેવા બોલરો પણ સ્ક્વાડમાં સામેલ છે, જેના કારણે કીવી પેસ અટેક વધુ ખતરનાક બન્યો છે.

આ ઉપરાંત બે અનકેપ્ડ ખેલાડીઓ માઈકલ રે અને ક્રિસ્ટિયન ક્લાર્કને આયર્લેન્ડ ટેસ્ટ માટે પ્રથમ વખત ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યારે બેન સિયર્સને આયર્લેન્ડ ટેસ્ટ માટે મુખ્ય ટીમમાં અને ઇંગ્લેન્ડ સિરીઝ માટે ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

જેકબ ડફી આ બંને ટૂરનો ભાગ નહીં બને, કારણ કે તે પોતાના પ્રથમ બાળકના જન્મને કારણે પરિવાર સાથે સમય વિતાવશે.

Exit mobile version