TEST SERIES

WTC પોઈન્ટ્સ ટેબલમાં 9મા સ્થાને

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27ની પોઈન્ટ્સ ટેબલમાં ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની હેડિંગ્લે ટેસ્ટ બાદ મોટો ફેરફાર જોવા મળ્યો છે. ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનને એક ઇનિંગ્સ અને 103 રનથી હરાવીને ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી છે. જોકે, આ શાનદાર જીત છતાં ઈંગ્લેન્ડ WTC પોઈન્ટ્સ ટેબલમાં સાતમા સ્થાન પર જ છે. બીજી તરફ પાકિસ્તાનની મુશ્કેલી વધી ગઈ છે અને ટીમ 19.05 ટકા પોઈન્ટ્સ સાથે ટેબલમાં સૌથી નીચે એટલે કે નવમા સ્થાને પહોંચી ગઈ છે.

હેડિંગ્લેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની પ્રથમ ઇનિંગ્સ માત્ર 171 રનમાં સમેટાઈ ગઈ હતી. તેના જવાબમાં ઈંગ્લેન્ડે શાનદાર બેટિંગ કરતાં 409 રનનો વિશાળ સ્કોર બનાવ્યો અને 238 રનની મહત્વપૂર્ણ લીડ મેળવી હતી. ત્યારબાદ બીજી ઇનિંગ્સમાં પણ પાકિસ્તાનની બેટિંગ ઈંગ્લેન્ડના બોલરો સામે ટકી શકી નહોતી અને આખી ટીમ માત્ર 135 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઈંગ્લેન્ડ તરફથી ઓલી રોબિન્સન અને જોશ ટંગે શાનદાર બોલિંગ કરી. બંને બોલરોએ સમગ્ર મેચમાં 8-8 વિકેટ ઝડપી હતી. જો રૂટની ફરીથી ટેસ્ટ કેપ્ટન તરીકે વાપસી પણ યાદગાર બની હતી. રૂટની આગેવાનીમાં ઈંગ્લેન્ડે હેડિંગ્લેમાં સતત સાતમી ટેસ્ટ જીત નોંધાવી છે.

WTC ટેબલની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા 77.78 ટકા સાથે પ્રથમ સ્થાને છે. દક્ષિણ આફ્રિકા 75 ટકા સાથે બીજા અને ન્યૂઝીલેન્ડ 72.22 ટકા સાથે ત્રીજા સ્થાને છે. બાંગ્લાદેશ ચોથા અને ભારત 53.33 ટકા સાથે પાંચમા સ્થાને છે. શ્રીલંકા છઠ્ઠા, ઈંગ્લેન્ડ સાતમા અને પાકિસ્તાન નવમા સ્થાને છે.

પાકિસ્તાન માટે હવે આગામી ટેસ્ટ મહત્વપૂર્ણ બની ગયો છે. ટીમને WTCમાં પોતાની સ્થિતિ સુધારવા માટે આગામી મેચમાં વાપસી કરવી પડશે.

Exit mobile version