ઇંગ્લેન્ડમાં 12 જૂનથી શરૂ થનારા વુમન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે તમામ ટીમોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. ભારતીય મહિલા ટીમ પણ આ ટૂર્નામેન્ટ માટે ઇંગ્લેન્ડ પહોંચી ચૂકી છે અને ખેલાડીઓ પ્રેક્ટિસમાં વ્યસ્ત છે. આ વચ્ચે ભારતીય સિલેક્ટર્સે એક એવો નિર્ણય લીધો છે, જેના કારણે ક્રિકેટ ચાહકોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.
BCCIએ 2 મેના રોજ જાહેર કરેલી ભારતીય ટીમમાં 24 વર્ષની યુવા સ્પિનર નંદિની શર્માને સ્થાન આપવામાં આવ્યું છે. નંદિનીને ઇજાગ્રસ્ત અનુષ્કા શર્માની જગ્યાએ સ્ક્વોડમાં સામેલ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે નંદિનીએ હજુ સુધી ભારત માટે એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. તે છતાં સિલેક્ટર્સે ICC જેવા મોટા ટૂર્નામેન્ટમાં તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
નંદિની શર્માએ અત્યાર સુધી મુખ્યત્વે WPLમાં પોતાના પ્રદર્શનથી ધ્યાન ખેંચ્યું છે. WPL 2026માં તે દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ હતી અને તેણે 10 મેચમાં 17 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેનું બોલિંગ એવરેજ 18.58 અને ઇકોનોમી રેટ 8.31 રહ્યું હતું. ગુજરાત જાયન્ટ્સ સામેની મેચમાં તેણે હેટ્રિક સાથે પાંચ વિકેટ લઈને સૌને પ્રભાવિત કર્યા હતા. તેની આ શાનદાર બોલિંગ બાદ તેને ભવિષ્યની સ્ટાર સ્પિનર માનવામાં આવી રહી છે.
નંદિની ચંડીગઢ સિનિયર મહિલા ટીમ, નોર્થ ઝોન અને ઇન્ડિયા B માટે પણ રમી ચૂકી છે. હવે T20 વર્લ્ડ કપમાં તેને ભારત માટે ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.
ભારતીય ટીમ પોતાનો પ્રથમ મુકાબલો 14 જૂને પાકિસ્તાન સામે બર્મિંગહામના એજબેસ્ટન મેદાનમાં રમશે. જો નંદિનીને પ્લેઇંગ ઇલેવનમાં તક મળે તો તે આ હાઈ-વોલ્ટેજ મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી શકે છે. 2024ના T20 વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયેલી ટીમ ઇન્ડિયા આ વખતે સારું પ્રદર્શન કરવાની આશા રાખી રહી છે.
